આટલી જ સેકન્ડનું મૂહુર્ત છે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે…

અયોધ્યાઃ અત્યારે આખો દેશ આતુરતાપૂર્વક અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે આખરે ક્યારે છે પ્રાણપ્રતિષ્ઠાનું શુભ મૂહુર્ત અને કેટલી ક્ષણનું છે એ મૂહુર્ત? ચાલો તમને જણાવીએ આ શુભ મૂહુર્ત વિશે.
અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22મી જાન્યુઆરીના કરવામાં આવશે એ વાતથી તો આપણે બધા જ પરિચિત છીએ જ પણ એની સાથે સાથે જ આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવવાનું કામ કરશે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી. પણ બેક ટુ ટ્રેક આવીએ અને વાત કરીએ તો રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનું અદ્ભુત શુભ મુહૂર્ત કાઢવામાં આવ્યું છે, અને રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થશે એ શુભ મુહૂર્તની દરેક સેકન્ડની ગણતરી કરવામાં આવી છે અને ક્યારે શું કરવામાં આવે છે એ બધું નક્કી કરવામાં આવ્યું છે.
અગાઉ કહ્યું એમ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા માટે સૌથી શુભ સમય 84 સેકન્ડનો જ રહેશે અને આ 84 સેકન્ડનો સમય આવશે 22મી જાન્યુઆરીના બપોરે 12:29:08 સેકન્ડથી 12:30:32 સેકન્ડનો રહેશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ 84 સેકન્ડ એટલા માટે કારણ કે આ સમયે આકાશમાં 6 ગ્રહો એકદમ અનુકૂળ સ્થિતિમાં આવી જશે. કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે આ મુહૂર્તને સૌથી સચોટ માનીને પસંદ કર્યો છે. જોકે, ભૂમિ પૂજન માટેનો શુભ સમય પણ જ્યોતિષ પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે જ નક્કી કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં આવનારા મહેમાનોને 20મી જાન્યુઆરીની સાંજથી 21મી જાન્યુઆરી બપોર સુધી પહોંચવાની ભલામણ કરવામાં આવી છે. પણ જો કોઈ મહેમાન 22મી જાન્યુઆરીના સવારે પહોંચે છે તો તેમને અયોધ્યામાં પ્રવેશ નહીં આપવામાં આવે. તેમજ આમંત્રિત લોકોએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવાની સલાહ આપી છે. આ ઉપરાંત સિક્યોરિટી રિઝન્સને કારણે મોબાઈલ અને પર્સ જેવા સામાન સાથે લઈ જવા પર પ્રતિબંધ છે.