પુત્રના લગ્નમાં પિતા ધીરુભાઈને આ રીતે યાદ કર્યા Mukesh Ambaniએ
જામનગરઃ છોટે કાશી કહેવાતા જામનગરમા હાલમાં સિતારા, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, ક્રિકેટરોથી ઊભરાઈ રહ્યું છે. કારણ કે અહીંયા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંતના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થઈ રહ્યા છે. આ લગ્નના પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં તમામ ક્ષેત્રના મહેમાનો આવ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે યોજાયેલા સમારંભમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભાવુક થયા હતા અને તેમણે સ્વર્ગસ્થ પિતા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો પાયો નાખનાર ધીરુભાઈને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે હું મારા નાના દીકરા અનંતમાં મારા પિતા ધીરુભાઈને જોઉં છું.
આ સેલિબ્રેશનની ગઈ કાલે શરૂઆત થઈ જે 3 માર્ચ સુધી ચાલશે. સેલિબ્રેશનની શરૂઆત કરાવતા મુકેશ અંબાણીએ કહ્યું કે જ્યારે પણ હું અનંતને જોઉ છું ત્યારે મને તેનામાં મારા પિતા ધીરુભાઈ દેખાય છે. અંબાણીએ મહેમાનોને સંબોધતા ભાવુક થઈ કહ્યું કે મારા પિતા આજે સ્વર્ગમાંથી પૌત્રને આશીર્વાદ આપતા હશે. મને ખાતરી છે કે તેઓ આજે ખૂબ ખુશ છે કારણ કે તેમનો લાડલો અનંત જીવનની સૌથી સ્પેશિયલ પળો ઉજવી રહ્યો છે. મુકેશ અંબાણીએ કહ્યું કે સંસ્કૃતમાં અનંતનો અર્થ છે જેનો કોઈ અંત ન હોય. મને અનંતમાં અનંત શક્તિ દેખાય છે. જ્યારે પણ હું અનંતને જોઉ છું તો મને તેનામાં મારા પિતા ધીરુભાઈ દેખાય છે. અનંતનું પણ મારા પિતા જેવું વલણ છે કે કઈ પણ અશક્ય નથી.
મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતીય પરંપરામાં આપણે મહેમાનોને અતિથિ કહીને સંબોધિત કરીએ છીએ. આપણે અતિથિ દેવો ભવ: કહીએ છીએ. જેનો અર્થ છે કે અતિથિ ભગવાન જેવા છે. તમે બધાએ આ લગ્નના માહોલને મંગળમય બનાવી દીધો છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે જામનગર મારા પિતાની કર્મભૂમિ રહી છે, એક એવી જગ્યા જ્યાં અમને મિશન, જૂનૂન અને ઉદ્દેશ્ય મળ્યા. અહીં ત્રીસ વર્ષ પહેલા વેરાન જમીન હતી અને હવે અહીં ધીરુભાઈનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.
અત્રે જણાવવાનું કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આ વર્ષે જ લગ્ન છે. તે પહેલા જામનગરમાં ત્રણ દિવસનું પ્રી વેડિંગ સેલિબ્રેશન શરૂ થયું છે.