કરણીસેનાના અધ્યક્ષની હત્યાની જવાબદારી આ ગેંગે સ્વીકારી….
જયપુર: જયપુરમાં પાંચ ડિસેમ્બરના રોજ ધોળે દિવસે ઘરમાં ઘૂસીને કેટલાક લોકોએ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. બદમાશોએ ગોગામેડીને જયપુરમાં તેમના નિવાસસ્થાને જઇને નિશાન બનાવ્યા હતા. જો કે તે સમયે એક બદમાશને ગોળી વાગવાથી તેનું પણ મોત થયું હતું. ત્યારે ગેંગસ્ટર રોહિત ગોદરાએ સુખદેવ સિંહની હત્યાની જવાબદારી સ્વીકારતા સોશિયલ મિડીયા પર એક પોસ્ટ પણ વાઇરલ કરી હતી.
રોહિત ગોદારા નામનો આ વ્યક્તિ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે. ગોદરાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તમામ ભાઈઓને રામ રામ હું રોહિત ગોદારા કપૂરસરી, ગોલ્ડી બ્રાર ભાઈઓ, અમે બધા સુખદેવ ગોગામેડીની હત્યાની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ, અને સ્વીકારીએ છીએ કે આ હત્યા અમે કરાવી છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું કે તે આપણા દુશ્મનોને મળતા હતા અને તેમને ટેકો આપતા હતા. તેમજ જ્યાં સુધી અમારા દુશ્મનોની વાત છે, તેઓએ તેમના ઘરના દરવાજે તેમની અર્થી તૈયાર રાખે. જોકે ગોદરા પોતાની આ પોસ્ટ ડીલીટ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં તો તે ઘણી વાઇરલ થઇ ચૂકી હતી.
આ ઉપરાંત ગેંગસ્ટર રોહિત ગોદરાએ બીજી મોટી ઘટનાઓની પણ જવાબદારી લીધી હતી, જેમાં રાજસ્થાનના રાજુ થેથની હત્યા, કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી સુખા દૂની અને કેનેડામાં રહેતા પંજાબ પ્રખ્યાત અભિનેતા-ગાયક ગિપ્પી ગ્રેવાલના ઘરે ફાયરિંગ વિશે પણ જવાદારી સ્વીકારી હતી.
પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે બપોરે ચાર-પાંચ હથિયારધારી માણસો શ્યામનગર વિસ્તારમાં ગોગામેડીના ઘરમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો હતો. ગોગામેડી તેમનો એક ગાર્ડ અને અન્ય એક વ્યક્તિ ગોળીઓમાં ઘાયલ થયા હતા. ઘટના બાદ તરત જ પોલીસે જયપુરમાં નાકાબંધી કરી દીધી છે.