હવે ભાજપના આ નેતાએ પત્રકાર સાથે કર્યું કંઈક આવું વર્તન

મહારાષ્ટ્રના ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પત્રકારોને ધાબે લઈ જઈ ચા પાણી કરાવવાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં અન્ય એક ભાજપ અધ્યક્ષે મહિલા પત્રકાર સાથે કરેલી વર્તણૂક ટીકાપાત્ર બની છે. તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે.અન્નામલાઈ આમ પણ સતત વિવાદોમાં રહે છે. આ વખતે તેમણે એક મહિલા રિપોર્ટર સાથે એવું વર્તન કર્યું કે જેના કારણે તેમની ચોતરફી ટીકા થઈ રહી છે. ખરેખર તો મહિલા રિપોર્ટરે અન્નામલાઈને ભાજપ સંબંધિત એક સવાલ કર્યો હતો જેના પર તે ભડકી ગયા અને તેમણે મહિલા રિપોર્ટરને ફટકાર લગાવી હતી. તેમની આ હરકતની કોઈમ્બતૂર પ્રેસ ક્લબે આકરી ટીકા કરી હતી. જોકે વિવાદ વધતાં અન્નામલાઈએ સ્પષ્ટતા કરવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અન્નામલાઈ અગાઉ આઈપીએસ અધિકારી રહી ચૂક્યા છે.
અહેવાલ અનુસાર એક મહિલા રિપોર્ટરે અન્નામલાઈને સવાલ કર્યો હતો કે જો તે ભાજપના તમિલનાડુ અધ્યક્ષ ન હોત તો શું તે પાર્ટીમાં ટક્યા હોત? આ સવાલ સાંભળીને અન્નામલાઈ નારાજ થઇ ગયા અને તેમણે રિપોર્ટરને કહ્યું કે તમારી મારી પાસે આવીને બેસી જવું જોઈએ જેથી ટીવી પર જે પણ વ્યક્તિ તેમને જોઈ રહી છે તેને ખબર પડે કે આ સવાલ કોણે કર્યો છે? તેઓ સતત મહિલા રિપોર્ટરને પોતાની પાસે આવીને બેસી જવા દબાણ કરતા રહ્યા હોવાનું અહેવાલ જણાવે છે.
ભાજપ નેતાના વારંવાર દબાણ સામે મહિલાના સાથી રિપોર્ટરોએ તેમનો બચાવ કરવાનું ચાલુ રાખ્યું હતું.
પોતાની ભૂલ સમજાતા તમિલનાડુ ભાજપના પ્રમુખે ગોળગોળ વાતો કરવા માંડી હતી. તેમણે કહ્યું કે હું તો ફૂલ ટાઈમ નેતા નથી. એક ખેડૂત તરીકે મારી ઓળખ છે. તેના પછી હું નેતા છું અને ભાજપમાં જોડાયેલો છું. બીજી બાજુ અન્નામલાઈની આ હરકત પર બાકી રિપોર્ટર્સે નારાજગી વ્યક્ત કરી અને તેમનો વિરોધ કર્યો હતો ત્યારે અન્નામલાઈ કહેવા લાગ્યા કે હું તો બસ યોગ્ય રીતે સવાલ પૂછવા કહી રહ્યો હતો. હું નેક ઈરાદે બહેનને સલાહ આપી રહ્યો હતો.
કોઈમ્બતૂર પ્રેસ ક્લબે અન્નામલાઈની આકરી ટીકા કરતાં કહ્યું કે પત્રકારિતા પર નૈતિકતાનો ઉપદેશ આપવાનો પ્રયાસ કરતાં પહેલાં અન્નામલાઈએ એક નેતા હોવાની નૈતિકતા શીખવી જોઈએ અને સન્માનપૂર્વક વર્તન કરવું જોઇએ. કોંગ્રેસે પણ અન્નામલાઈની ઝાટકણી કાઢી હતી. તમિલનાડુ કોંગ્રેસના મહાસચિવ લક્ષ્મી રામાચંદ્રને કહ્યું કે આટલા અહંકારવાળો નેતા મેં ક્યારેય જોયો નથી.
It’s perfect news like it