નેશનલ

“આ બિલ રાજીવ ગાંધીનું સપનું છે….”: નારી શક્તિ વંદન બિલ પર સંસદમાં સોનિયા ગાંધી

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે બુધવારે પહેલી વાર નવા સંસદભવનમાં નિવેદન આપ્યું. તેમણે મહિલા અનામત બિલ વિશે પોતાનો મત રજુ કર્યો. સોનિયા ગાંધીએ કહ્યું કે હું આ બિલના સમર્થનમાં છું. કોંગ્રેસ વતી હું ‘નારી શક્તિ વંદન એક્ટ 2023’ના સમર્થનમાં છું.

નારી શક્તિ વંદન બિલને સમર્થન આપતાં તેમણે લોકસભામાં કહ્યું કે હું તમને જણાવી દઉં કે દેશમાં પ્રથમ વખત મારા પતિ અને તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પંચાયતી રાજ અને નગર પાલિકાઓમાં મહિલાઓને અનામત આપવાનું બિલ લઈને આવ્યા હતા. પરંતુ તે સમયે તે બિલ થોડા મતોથી પસાર થઈ શક્યું ન હતું. જે બાદમાં નરસિંહ સરકારે બીલ પસાર કર્યું હતું. તેમણે કહ્યું કે સરકાર ઈચ્છે છે કે આ બિલ તાત્કાલિક લાગુ થાય. પરંતુ સરકારે એસસી, એસટી અને ઓબીસી સમુદાયોમાંથી આવતી મહિલાઓને પણ અનામત આપવી જોઈએ અને તેમને આગળ આવવાની તક આપવી જોઈએ.

સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે ભારતીય મહિલાઓના હૃદયમાં સમુદ્ર જેવી ધીરજ છે. તેમણે ક્યારેય તેની સાથે થયેલા અન્યાયની ફરિયાદ નથી કરી. તેણે ક્યારેય માત્ર પોતાના જ ફાયદા વિશે જ વિચાર્યું નથી. તેમણે નદીઓની જેમ સૌના કલ્યાણ માટે કામ કર્યું છે. સ્ત્રીની બહાદુરીનો અંદાજ લગાવવો અશક્ય છે. સ્ત્રીએ માત્ર આપણને જન્મ જ આપ્યો નથી પરંતુ આપણું પાલન-પોષણ પણ કર્યું છે અને આપણને બુદ્ધિશાળી અને શક્તિશાળી બનાવ્યા છે. સ્ત્રીની ગરિમા અને સ્ત્રીના બલિદાનને ઓળખીને જ આપણે માનવતા તરફ આગળ વધી શકીએ છીએ.

સોનિયા ગાંધી વધુમાં કહ્યું હતું કે મહિલાઓનવા ભારતના નિર્માણ માટે દરેક મોરચે પુરૂષો સાથે ખભે ખભા મિલાવીને લડી છે. ઈન્દિરા ગાંધીજીનું વ્યક્તિત્વ ખૂબ જ તેજસ્વી અને જીવંત ઉદાહરણ છે. આ મારા પોતાના જીવનની ખૂબ જ ભાવુક ક્ષણ છે. પહેલીવાર રાજીવ ગાંધીજી સ્થાનિક સંસ્થાઓમાં મહિલા અનામત બિલ લાવ્યા હતા જે સાત મત ઓછા હોવાથી પસાર થઇ શક્યું ન હતું. બાદમાં નરસિમ્હા રાવ સરકારે આ બીલ પાસ કરાવ્યું હતું. આજે પરિણામ એ આવ્યું છે કે દેશભરની સ્થાનિક સંસ્થાઓમાં 15 લાખ મહિલા નેતાઓ ચૂંટાઈ છે. રાજીવ ગાંધીજીનું સપનું અડધુ જ પૂરું થયું છે. આ બિલ પસાર થતાંની સાથે જ તે પૂર્ણ થશે. કોંગ્રેસ પાર્ટી આ બિલને સમર્થન આપે છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની માંગ છે કે આ બિલનો તાત્કાલિક અમલ થવો જોઈએ પરંતુ તેની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરીને એસસી, એસટી અને ઓબીસી મહિલાઓને અનામત આપવામાં આવે. સરકારે આ માટે જે પણ પગલાં લેવાની જરૂર છે તે લેવા જોઈએ. આ બિલને લાગુ કરવામાં વધુ વિલંબ એ ભારતની મહિલાઓ સાથે ઘોર અન્યાય છે. કોંગ્રેસ વતી હું સરકાર પાસે માંગ કરું છું કે આ બિલને વહેલી તકે લાગુ કરવામાં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button