આ બે બેઠકો નક્કી કરશે ઈન્ડિયા ગઠબંધનનું ભાવિ? અખિલેશે રાહુલને આપ્યો ત્રણ દિવસનો સમય
લખનઉઃ ઈન્ડિયા ગઠબંધનના બે પક્ષ કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું બંધન લગભગ છૂટવાને આરે છે. બિહારમાં નીતીશ કુમારે એનડીએમાં પ્રવેશ કર્યો, મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલે પોતપોતાના રાજ્યોમાં અલગ અલગ લડવાની જાહેરાત કરી દીધી, હવે સૌથી મહત્વનું ગણાય તેવું 80 લોકસભા બેઠકવાળું રાજ્ય ઉત્તર પ્રદેશ પણ બંધનમાંથી છૂટવાને આરે આવીને ઊભું છે.
અહીં કૉંગ્રેસ અને સમાજવાદી પક્ષનો પેચ બેઠકોની વહેંચણી મામલે પહેલેથી ગૂંચવાયેલો જ છે, પરંતુ બન્ને પક્ષ કોઈ પરિણામ સુધી પહોંચી શકયા નથી. સપાએ શરૂઆતમાં કૉંગ્રેસને 11 બેઠક ઓફર કરી હતી જ્યારે કૉંગ્રેસે 23 પણ પોતાનો દાવો માંડ્યો હતો. કૉંગ્રેસે 2009 સુધી જે બેઠકો પર પક્ષનું વર્ચસ્વ હતું તેના પર ઉમેદવારી માગી હતી, પરંતુ આમાંથી અમુક સપાએ દેવાની ના પાડી. ત્યારબાદ થોડા દિવસો પર સપાએ 17 બેઠક આપવાની વાત કરી. આ મામલે કૉંગ્રેસે હજુ સુધી કોઈ ઉત્તર આપ્યો નથી, પણ સૂત્રોનું માનીએ તો માત્ર બેઠકોની સંખ્યા નહીં કઈ બેઠક કોને મળે તે માટે પણ જંગ ચાલી રહ્યો છે. કૉંગ્રેસ મુરાદાબાદ અને બિજનૌરની બેઠક માગે છે અને સપા આ બેઠક આપવા તૈયાર નથી.
સપાએ કૉંગ્રેસને અલ્ટિમેટમ આપ્યું છે કે ત્રણ દિવસમાં તેઓ જવાબ આપે. બીજી બાજુ અખિલેશ રાહુલની યાત્રામાં પણ આ કારણે જ જોડાયા નથી. કૉંગ્રેસના પ્રવક્તા ઑલ ઈઝ વેલનો ગીત ગાયા કરે છે, પણ જાહેરમાં દેખાઈ રહ્યું છે કે બન્ને પક્ષ વચ્ચે કંઈપણ બરાબર ચાલી રહ્યું નથી.