
નવી દિલ્હીઃ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે દેશમાં કેટલીક પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. બંને દેશો વચ્ચેના તણાવની અસર શૈક્ષણિક કાર્ય પર પણ જોવા મળી રહી છે. જેમાં કેટલીક મહત્ત્વપૂર્ણ પરીક્ષાઓ સ્થગિત કરવા પડી છે. તેમાં આઈસીએઆઈ દ્વારા આયોજીત સીએ ફાઈનલ અને ઈન્ટર જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ પણ સામેલ છે. પરીક્ષાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આઈસીએઆઈ સીએ ફાઈનલ, ઈન્ટર સહિત કુલ ચાર મોટી પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે.
આઈસીએઆઈ સીએ ફાઈનલઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ CA મે 2025ના બાકીના કેટલાક પેપર્સ હાલ પૂરતી મોકૂફ રાખ્યા છે. આમાં CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ (PQC)ની ઇન્ટરનેશનલ ટેક્સેશન-એસેસમેન્ટ ટેસ્ટ (INTT AT) નો સમાવેશ થાય છે. એક સત્તાવાર નિવેદનમાં, ICAI એ જણાવ્યું છે કે દેશમાં તણાવપૂર્ણ અને સુરક્ષા સંબંધિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મે 2025 માં યોજાનારી CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ (PQC) ઇન ઇન્ટરનેશનલ ટેક્સેશન (INTT AT) ની બાકી રહેલી કેટલીક પરીક્ષાઓ જે 9 થી 14 મે દરમિયાન યોજાવાની હતી, તેને મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરતા, ICAI એ જણાવ્યું હતું કે નવી તારીખો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. ICAI વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત નવી તારીખો જાણવા માટે સત્તાવાર વેબસાઇટ www.icai.org પર નજર રાખવાની સલાહ આપી છે.
હિમાચલ પ્રદેશ કોમન એંટ્રેસ ટેસ્ટઃ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે હિમાચલ પ્રદેશ ટેકનોલોજી યુનિવર્સિટી તરફથી 10 અને 11 મેના રોજ આયોજીત કોમન એંટ્રેસ ટેસ્ટ (એચપીસીઈટી 2025)ને આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવી છે
અંડર ગ્રેજ્યુએટ કોમન એંટ્રેસ ટેસ્ટઃ કર્ણાટકમાં મેડિકલ, એન્જિનિયરિંગ અને ડેંટલ કોલેજમાં એડમિશન માટે 12 શહેરોમાં અંડર ગ્રેજ્યુએટ કોમને એંટ્રેસ ટેસ્ટ 2025ને સ્થગિત કરી દેવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશો અનુસાર શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો નિર્દેશ કર્યો છે. આથી તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થગિત કરવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે. નવી તારીખ સ્થિતિ સામાન્ય થયા બાદ જાહેર કરવામાં આવશે.
હરિયાણા લોક સેવા આયોગઃ હરિયાણામાં 11 મેના રોજ યોજાનારી હરિયાણા લોક સેવા આયોગની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તાના કહેવા પ્રમાણે, કોલેજ કેડેરમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ માટે આ પરીક્ષા લેવામાં આવનારી હતી.