યુદ્ધવિરામમાં ત્રીજા પક્ષની મધ્યસ્થા નહોતીઃ વિદેશ સચિવે કરી સ્પષ્ટતા

નવી દિલ્હી: વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ આજે પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ પર સંસદીય સમિતિને માહિતી આપી હતી. સંસદના એનેક્સી ભવન ખાતે વિદેશ બાબતની સ્થાયી સમિતિની બેઠકમાં સાંસદોએ ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા પર સવાલો ઊઠાવવામાં આવ્યા હતા. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતું કે યુદ્ધવિરામમાં ત્રીજા પક્ષની કોઈ મધ્યસ્થતા નહોતી અને આ નિર્ણય બંને પક્ષ તરફથી લેવામાં આવ્યો હતો.
ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ પછી વિદેશ બાબતોની સ્થાયી સમિતિની આજની બેઠકમાં મહત્ત્વની ચર્ચા કરવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંઘર્ષ થયો હતો, પરંતુ પડોશી દેશ તરફથી કોઈ પરમાણુ સંકેત આપવામાં આવ્યો નહોતો.
આ પણ વાંચો: પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઈશાક ડારે ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાને લઈ શું કહી મોટી વાત?
કોંગ્રેસના સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં સંસદની વિદેશ બાબતોની સ્થાયી સમિતિની બેઠકમાં ટીએમસીના અભિષેક બેનર્જી, કોંગ્રેસના રાજીવ શુક્લા અને દીપેન્દ્ર હુડ્ડા, એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી અને ભાજપના અપરાજિતા સારંગી અને અરુણ ગોવિલ સહિતના સભ્યોએ હાજરી આપી હતી.
આ બેઠક ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પહલગામ હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ બંને દેશો વચ્ચે થયેલી લશ્કરી કાર્યવાહીની પૃષ્ઠભૂમિ સામે યોજાઈ રહી છે.
આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો જશ ખાટ્યા બાદ ટ્રમ્પનો યુટર્ન, મધ્યસ્થીના દાવામાં કરી પીછેહઠ
ભારત અને પાકિસ્તાન ૧૦ મેના રોજ તમામ લશ્કરી કાર્યવાહી અટકાવવા અંગે સમજૂતી પર પહોંચ્યા હતા. મિસ્ત્રી સોમવાર અને મંગળવારે “ભારત અને પાકિસ્તાન અંગે વર્તમાન વિદેશ નીતિ વિકાસ” પર પેનલને માહિતી આપી રહ્યા છે.
સરકારે ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિ સામે આતંકવાદનો કડક રીતે સામનો કરવાના ભારતના સંકલ્પ વિશે નેતાઓને માહિતી આપવા માટે ૩૩ વિશ્વ રાજધાનીઓમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનો નિર્ણય લીધો છે.