ભાજપમાં વિરોધ અટકવાના કોઇ એંધાણ દેખાતા નથી….
જયપુર: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ ત્યારથી કોઇને કોઇ રીતે પક્ષના જ આગેવાનો કોઇ ને કોઇ રીતે વિરોધ કરી રહ્યા છે. આજે પણ કોટપુતલીથી આવેલા લોકોએ પક્ષના ઉમેદવાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને રાજીનામાની ધમકી પણ આપી હતી. એક તરફ લિસ્ટના છઠ્ઠા દિવસે પણ પાર્ટીમાં જે ભંગાણ પડ્યું છે તે પૂરું નથી થતું અને અહી સાંસદોને અપાયેલી સીટો પર વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે.
ભાજપમાં વિરોધ અટકવાના કોઇ એંધાણ દેખાતા નથી. ત્યારે હવે બીજી યાદી બહાર પાડવાની કવાયત શરૂ કરવાની છે. પરંતુ ભાજપની પ્રથમ યાદી જાહેર થયા બાદ જે વિરોધ પ્રદર્શન દેખાયા છે તે અંગે પક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડે કહ્યું હતું કે ત્રણ દિવસ પહેલા જે વિરોધ હતો તે આજે નથી. આજે જે છે તે કાલે દેખાશે નહીં. પરંતુ રાઠોડના નિવેદનથી વિપરીત વિરોધ તો યથાવત જ છે.
આજે પણ કોટપુતલીના લોકોએ રાજધાની જયપુરમાં પાર્ટી હેડક્વાર્ટરમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. કોટપુતલીથી ભાજપે હંસરાજ ગુર્જરને ઉમેદવાર બનાવ્યા છે. જેના વિરોધમાં મુકેશ ગોયલના સમર્થકો આજે પાર્ટી કાર્યાલય પર પહોંચ્યા હતા અને નારા લગાવ્યા હતા. નારાજ કાર્યકરોએ ઉમેદવાર બદલવામાં નહીં આવે તો પાર્ટીમાંથી રાજીનામું આપવાની ધમકી પણ આપી હતી. સમર્થકોએ જણાવ્યું હતું કે ગત ચૂંટણીમાં જે વ્યક્તિએ પક્ષનો વિરોધ કર્યો હતો તેને આજે ટિકિટ આપવામાં આવી છે.
41 ઉમેદવારો પૈકી પાર્ટીએ જે બેઠકો પર સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે તેમાંથી મોટાભાગની બેઠકો પર વિરોધ છે. આમાં કિશનગઢ, સાંચોર, જયપુરના જોતવાડા અને વિદ્યાધર નગર સહિત ઘણા વિસ્તારોમાંથી વિરોધ દેખાઇ રહ્યો છે. હવે સ્થિતિ એવી છે કે બળવાના ભાગરૂપે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તૈયારીઓ ચાલી રહી છે. ટિકિટ વિતરણ બાદ સતત વિરોધને જોતા પાર્ટીએ વિરોધને અટકાવવાની કવાયત શરૂ કરી છે. પક્ષને હજુ પણ આશા છે કે નારાજ કાર્યકરો સમયસર સંમત થશે. પરંતુ જો આ વિરોધ નહીં અટકે તો ભવિષ્યમાં પાર્ટીને નુકસાન થઈ શકે છે.