“કોંગ્રેસના મેનિફેસ્ટોમાં આનો કોઈ ઉલ્લેખ નથી, બધું જ મનઘડત છે”, શશિ થરૂરે ભાજપના આરોપોનો જવાબ આપ્યો
નવી દેલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર દરમિયાન વડા પ્રધાન મોદી(PM Modi) સહીત ભાજપના દિગ્ગજ નેતાઓ વારંવાર કોંગ્રેસના મેનીફેસ્ટો(Congress Menifesto)નો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર ‘પુનઃવિતરણ અને વારસાગત સંપતિ કર લગાવવા’ જેવા વિવિધ આરોપો લગાવી રહ્યા છે. એવામાં કોંગ્રેસના દિગ્ગજનેતા શશિ થરૂર(Shashi Tharoor)એ ભાજપના તમામ આરોપોને પાયા વિહોણા ગણાવીને મેનીફેસ્ટો અંગે સ્પષ્ટતા કરી છે. શશિ થરૂરે કહ્યું કે શાસક પક્ષે મેનીફેસ્ટો વાંચવો જોઈએ, આ બાબતે કરેલા તમામ આરોપો સંપૂર્ણપણે બનાવટી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહીત ભાજપના નેતાઓ સતત આરોપ લગાવી રહ્યા છે કે કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં લોકોના પૈસા અને ઘરેણાં લઇ લેવાની વાત કરવામાં આવી છે. જાહેર સભાઓમાં વડા પ્રધાન મોદીએ પણ કહ્યું છે કે કોંગ્રેસ લોકોના ઘરોનો એક્સ-રે કરીને તેમની મિલકત છીનાવી લેશે અને પછી તેનું પુનઃવિતરણ કરવામાં આવશે. કોંગ્રેસ માતાઓ અને બહેનોના મંગલસૂત્ર પણ છીનવી લેશે.
શશિ થરૂરે આ આરોપોને ફગાવી દેતા કહ્યું કે કોંગ્રેસના મેનીફેસ્ટોમાં સંપત્તિના પુનઃવિતરણ અથવા વારસા કરનો કોઈ ઉલ્લેખ નથી. મેનિફેસ્ટોમાં આર્થિક પુનઃવિતરણ શબ્દ ક્યાં છે? હું મેનિફેસ્ટો કમિટીનો ભાગ છું, મેનિફેસ્ટોમાં આવો કોઈ ઉલ્લેખ નથી, મેનિફેસ્ટો સમિતિની બેઠકોમાં આમાંથી કોઈ મુદ્દાની ચર્ચા કરવામાં આવી નથી. ભાજપ દ્વારા કરવામાં આવેલા દરેક આરોપ સંપૂર્ણપણે મનઘડત છે. ભાજપે લોકો પાસેથી સોનું અને ‘મંગલસૂત્ર’ છીનવી લીધું છે.
શશી થરૂરે કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક્સ-રે વિશે વાત કરી હતી, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમના ઘરે જઈને તેમના કબાટ તપાસમાં આવશે. X-Ray, અથવા સામાજિક-આર્થિક જાતિ વસ્તી ગણતરીનો અર્થ એ છે કે આપણા દેશની અંદર શું ચાલી રહ્યું છે એ જાણવાનો પ્રયાસ. તેમણે કહ્યું, આ મહત્વપૂર્ણ છે કારણ કે દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જાતિના આધારે લાભો આપે છે.
તેમણે કહ્યું કે, સામાજિક-આર્થિક જાતિ ગણતરી એ શોધવામાં મદદ કરશે કે લોકોને તેમની જાતિ સાથેના જોડાણથી શું મળી રહ્યું છે. ઉદાહરણ તરીકે, જો દલિતો અને ગરીબી વચ્ચે સહસંબંધ દેખાય થાય તો સરકાર એ રીતે લક્ષિત નીતિઓ બનાવી શકે છે.
એક ટીવી ચેનલ સાથે ઈન્ટરવ્યું દરમિયાન શશી થરૂરે કહ્યું કે NDA 400 બેઠકોની માંગ કરી રહી છે કારણ કે તેઓ બંધારણ બદલવા માંગે છે.