હેલો, ટ્રેનમાં સાધુ વેશમાં ચાર આંતકવાદી છે…હેલ્પલાઈન પર આવ્યો ફોન અને પછી…

મુંબઈ : જયપુર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં સાધુઓના વેશમાં ચાર આતંકવાદીઓ હોવાની પોસ્ટ રેલ્વે હેલ્પલાઈન પર કરવામાં આવી હતી ત્યારબાદ ટ્રેનમાં હોબાળો મચી ગયો હતો. માહિતી મળતા જ આ ચાર સાધુઓની પાલઘર રેલવે સ્ટેશન પર ધરપકડ કરવામાં આવી હતી. પણ પૂછપરછ કરતી વખતે જાણવા મળ્યું કે આ ચારેય સાધુઓ અદગદાનંદ મહારાજના આશ્રમમાં દર્શન કરવા માટે આવ્યા હતા.
ખરેખર શું બન્યું આ ઘટનામાં?
જયપુર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં જયપુરથી બાંદ્રા જઈ રહેલા એક મુસાફરને સાધુના વેશમાં દેખાતા આ ચાર લોકો આતંકવાદી હોવાની શંકા થઈ હતી. ત્યાર બાદ તેણે રેલવે હેલ્પલાઈનના એક્સ એકાઉન્ટ પર આ બાબતે માહિતી આપતા પોસ્ટ કર્યું હતું કે ટ્રેનમાં ચાર આતંકવાદીઓ દેખાઈ રહ્યા છે. આ પોસ્ટ વાઇરલ થયા બાદ ઇન્ટરનેટ પર સનસનાટી મચી ગઈ હતી. આ ટ્વિટની જાણ તરત જ પાલઘર આરપીએફ અને જીઆરપી પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતાં તરત જ મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવ્યા હતા.
આરપીએફ અને જીઆરપી પોલીસ દ્વારા પાલઘર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં પોલીસ ટીમને ટ્રેનની તપાસ કરવા અને સાધુઓની પૂછપરછ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.
જયપુર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન પાલઘર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર પહોંચ્યા બાદ, આરપીએફ પોલીસે ત્યાં બેઠેલા ચાર સાધુઓની ધરપકડ કરી હતી. માહિતી અનુસાર અટકાયત કરેલી વ્યક્તિમાં અલખાનંદ મહારાજ, રાજારામ બાબા, યોગાનંદ અને એક ૪૫ વર્ષના વ્યક્તિનો સમાવેશ હતો. ટ્રેનના કોચ ૧૯૭૦૬૧/સીમાં પ્રવાસ કરી રહેલાં આ ચારેય સાધુઓ રાજસ્થાનના રહેવાસી છે અને સવાઈ માધોપુર સ્ટેશનથી બાંદ્રા જતી જયપુર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં ચડ્યા હોવાની માહિતી જાણવા મળી હતી.
મુસાફરી વખતે જ્યારે ટ્રેનમાં બેઠેલા મુસાફરોએ આ ચાર સાધુઓ સાથે વાત કરવાનું શરૂ કર્યું અને ઘણા વિચિત્ર પ્રશ્નો પૂછ્યા પછી આ સાધુઓએ મુસાફરો સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ શંકા જતાં એક પ્રવાસીએ રેલવે હેલ્પલાઈન પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે ટ્રેનમાં ચાર આતંકવાદીઓ સાધુના વેશમાં પ્રવાસ કરી રહ્યા છે. આરપીએફ પોલીસે આ ચારેય સાધુઓના નિવેદન નોંધીને છોડી દીધા હતા.