…તો બંધ થઈ શકે છે તમારો ફોન નંબર, TRAIએ આપી વોર્નિંગ!
ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ આ જ અઠવાડિયે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ટ્રાયના નામે કરવામાં આવતા બોગસ ફોન કોલ્સથી સાવધ રહેવાની ભલામણ કરી હતી. એટલું જ નહીં પણ યુઝર્સે આવા કોલ્સ અને છેતરપિંડી કરનારાઓથી ખાસ સાવધ રહેવાની જરૂર છે. સ્કેમર્સ આવા કોલ કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ટ્રાય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ફોન કરનાર વ્યક્તિ પોતાની જાતને ટેલિકોમ વિભાગ સંબંધિત અધિકારી હોવાનું જણાવે છે અને તમારું મોબાઈલ ફોન કનેક્શન કટ થઈ રહ્યું છે એવું જણાવે છે. પરંતુ આ કોલ તદ્દન ખોટા છે. આવા કોલ કરીને સ્કેમર્સ તમારી સાથે ચીટિંગ કરે છે. બુધવારે આપેલી ચેતવણીમાં ટ્રાયે જણાવ્યું હતું કે ટ્રાયના નકલી કોલ કરીને લોકોને કનેક્શન કપાઈ જવાનો ડર દેખાડીને તેમની પર્સનલ ઈન્ફોર્મેશન શેર કરવાનું કહેવામાં આવે છે.
આ પણ વાંચો: 1st Septemberથી આવા કોલ્સ કરનારાઓની ખેર નથી, TRAIએ લીધો મહત્ત્વનો નિર્ણય…
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાય)એ એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે ટ્રાય ક્યારેય મેસેજ મોકલીને અથવા મોબાઇલ નંબર કનેક્શન બંધ કરવા વિશે ગ્રાહકોનો સંપર્ક કરતું નથી. ટ્રાયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારનો સંદેશાવ્યવહાર (કોલ, સંદેશ અથવા સૂચના) જે ટ્રાય તરફથી હોવાનો દાવો કરવામાં આવે છે તેને સંભવિત છેતરપિંડીનો પ્રયાસ માનવો જોઈએ અને ધ્યાન આપવું જોઈએ નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે દર થોડા સમયે સાયબર ક્રાઈમ અને ફાઈનાન્શિયલ ફ્રોડના કિસ્સાઓને રોકવા તેમ જ ટેલિકોમ સંસાધનોના દુરૂપયોગને રોકવા માટે લોકોને જાગૃત કરવામાં આવે જ છે. પરંતુ તેમ છતાં હજી પણ લોકો સ્કેમર્સની જાળમાં ફસાઈ જાય છે અને છેતરાઈ જાય છે.