નેશનલ

‘…તો ભારત છોડી દો!’ સુપ્રીમ કોર્ટે મેટાને કડક ચેતવણી આપી; જાણો શું છે મામલો

નવી દિલ્હી: ભારતની સુપ્રીમ કોર્ટે વોટ્સએપ યુઝર્સની પ્રાઈવસી સાથે છેડછાડ અંગે ટેક જાયન્ટ મેટાને ફટકાર લગાવી છે. ભારતના મુખ્યન્યાયાધીશ(CJI) સૂર્યાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું, મેટા ભારતના યુઝર્સની પ્રાઈવસી સાથે રમત કરી શકે નહીં, કોર્ટ ભારતના ડેટાનો એક પણ અંશ શેર કરવાની મંજૂરી નહીં આપે. કોર્ટે કહ્યું તેઓ ભારતીયોનું શોષણ નહીં થવા દે.

સુપ્રીમકોર્ટમાં વોટ્સએપની 2021ની પ્રાઈવસી પોલિસી અંગે સુનાવણી કરી રહી હતી.

પ્રાઈવસી સાથે ચેડા અંગે ચિંતા વ્યક્ત કરી:
સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કમર્શિયલ હેતુ માટે ભારતના વ્હોટ્સ એપ યુઝર્સને ડેટા શેર કરવાની પોલિસીને “શોષણકારી” ગણાવી હતી. CJIએ આકરી ટીપ્પણી કરતા મેટાને કહ્યું કે, “જો તમે અમારા બંધારણનું પાલન ન કરી શકો, તો ભારત છોડી દો. અમે નાગરિકોની પ્રાઈવસી સાથે ચેડા નહીં થવા દઈએ.”

પોલિસીને મંજૂરી ન આઈ શકીએ:
કોર્ટે મેટાની પોલિસી અંગે કહ્યું શું દેશના લાખો ગરીબ અને અશિક્ષિત લોકો તેમની પોલિસી સમજી શકે છે? એક ગરીબ મહિલા, રસ્તાની બાજુમાં ઉભા રહેતા ફેરિયા અથવા ફક્ત તમિલ ભાષા જણાતી વ્યક્તિ પોલિસી સમજી શકશે? ક્યારેક અમને પણ તમારી પોલિસી સમજવામાં મુશ્કેલી પડે છે, તો બિહારના ગ્રામિણ વિસ્તારમાં રહેતા લોકો કેવી રીતે સમજશે? આ પ્રાઈવેટ ઇન્ફોર્મેશન ચોરી કરવાની એક રીત છે. અમે આ પોલિસીને મંજૂરી આપી શકીએ નહીં.

CJIએ પોતાના અનુભવ વિષે વાત કરતા કહ્યું, “જો કોઈ ડૉક્ટરને વોટ્સએપ પર મેસ્જ મોકલે છે કે તેમની તબિયત ખરાબ છે અને ડૉક્ટર કોઈ દવાના પ્રિસ્ક્રિપ્શન મોકલે છે, તો તરત જ તમને દવાની એડવટાઈઝમેન્ટ દેખાવા લાગે છે…”

શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે મેટા વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક જેવા પ્લેટફોર્મ્સની પેરેન્ટ કંપની છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા(CCI)એ નવેમ્બર 2024માં મેટા પર 213 કરોડ રૂપિયાના દંડ ફટકાર્યો છે.

મેટાએ જાન્યુઆરી 2025માં CCIના આદેશને કંપની લો ટ્રિબ્યુનલમાં પડકાર્યો હતો. નવેમ્બર 2025માં કંપની લો ટ્રિબ્યુનલે વોટ્સએપ ડેટા શેર કરવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ રદ કર્યો હતો, જોકે તેણે CCIએ લગાવેલા દંડ મંજુરી આપી હતી.

મેટાએ ટ્રિબ્યુનલના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જે અંગે હાલ સુનાવણી કરવામાં આવી રહી છે.

આપણ વાંચો:  પંકજા મુંડેના હેલિકોપ્ટરમાં પણ ખામી સર્જાઈ, પાયલોટે લીધો આવો નિર્ણય

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button