દિલ્હીમાં જૈન દેરાસરમાં ચોરી: 40 લાખ રૂપિયાનો સોનાનો કળશ લઈ ચોર ફરાર, CCTVમાં કેદ

નવી દિલ્હીઃ ઉત્તરપૂર્વ દિલ્હીના જ્યોતિ નગરમાં એક જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની હતી. આશરે 40 લાખ રૂપિયાની કિંમતના સોને મઢેલા કળશની ચોરી થઈ હતી. ઘટના શુક્રવારે રાત્રે બની હતી, જ્યારે લોકો કરવા ચોથની ઉજવણી કરી રહ્યા હતા. દેરાસરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના કેદ થઈ ગઈ હતી.
ઉત્તરપૂર્વ દિલ્હીના જ્યોતિ નગરમાં આવેલા જૈન દેરાસરમાંથી ચોરાયેલ કળશ આશરે 25 થી 30 કિલોગ્રામ વજનનો હતો. પોલીસે જણાવ્યું હતું કે જૈન દેરાસરની ટોચ પરથી આશરે 40 લાખ રૂપિયાના સોનાનો કળશની થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, લાલ કિલ્લા પાસે એક જૈન ધાર્મિક કાર્યક્રમમાંથી આશરે 1 કરોડ રૂપિયાના કળશની ચોરી થયાના થોડા દિવસો પછી જ આ ઘટના બની હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, જૈન દેરાસરમાંથી ચોરાયેલો કળશ આશરે 25થી 30 કિલોગ્રામ વજનનો છે અને તે તાંબા અને સોનાનો બનેલો છે. સમગ્ર ચોરી દેરાસરમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી વીજળીના વાયરનો ઉપયોગ કરીને દેરાસરની છત પર ચઢી ગયો હતો અને ટોચ પર પહોંચ્યો અને સોનાનો ‘કળશ’ લઈને ફરાર થઈ ગયો હતો. શનિવારે સવારે સ્થાનિક લોકોએ દેરાસરની ટોચ પરથી કળશ ગાયબ જોયો અને દેરાસરના મેનેજમેન્ટને જાણ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજમાં રાત્રે 11:45 વાગ્યે એક યુવાન બહાર ભટકતો દેખાય છે, પછી ઉપર ચઢીને કથિત રીતે કળશ લઈ ગયો છે. કેસ નોંધવામાં આવ્યો છે અને નજીકના વિસ્તારોમાંથી સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરીને શંકાસ્પદ વ્યક્તિને ઓળખવા અને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
આપણ વાંચો : એમ્બ્યુલન્સમાં લાઈફ સપોર્ટ સુવિધાઓની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ