
મૈનપુરીઃ ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં હૉસ્પિટલ તંત્રની શરમજનક ઘટના જોવા મળી હતી. મૈનપુરીના ઘિરોર વિસ્તારમાં ડોક્ટરે પહેલા એક છોકરીને ખોટું ઈન્જેક્શન આપ્યું હતું, ત્યારબાદ તેની તબિયત બગડી અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. આટલું જ નહીં, આ ઘટના બાદ હોસ્પિટલના સ્ટાફે છોકરીના મૃતદેહને હોસ્પિટલની બહાર પાર્ક કરેલી બાઇક પર નિર્દયતાથી રાખી દીધી હતી. આ સમગ્ર મામલે એક વીડિયો પણ સામે આવ્યો છે.
પરિવારજનોનો આરોપ છે કે મૈનપુરીના ઘિરોર વિસ્તારમાં તરુણીને ડોક્ટરે ખોટું ઈન્જેક્શન આપ્યું હતું, જેના કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું. ડોક્ટરોએ આ અંગે યુવતીના પરિવારને જાણ પણ કરી ન હતી. આટલું જ નહીં મામલો છુપાવવા માટે સ્ટાફે કહ્યું કે તેની તબિયત બગડી ગઈ છે અને તેને બીજી કોઈ હોસ્પિટલમાં લઈ જાઓ. આ પછી ડોક્ટર અને સ્ટાફ બળજબરીથી બાળકીના મૃતદેહને હોસ્પિટલની બહાર લઈ ગયા હતા.
હવે વીડિયો સામે આવ્યા બાદ સીએમઓએ હોસ્પિટલનું લાઇસન્સ રદ કરીને તેને સીલ કરી દીધું છે. ડોકટરો અને ઓપરેટરોને ત્રણ દિવસમાં જરૂરી દસ્તાવેજો સાથે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ ઘિરોર પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા ઓયમાં રહેતા ગિરીશ યાદવની પુત્રી ભારતી (17)ની તબિયત મંગળવારે બગડી હતી. મૃતકના પરિવારજને જણાવ્યું કે ભારતીને મંગળવારે તાવ આવ્યો હતો જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બુધવારે તે બિલકુલ ઠીક હતી, પરંતુ ડોક્ટરે તેને ઈન્જેક્શન આપતા જ તેની તબિયત બગડી હતી અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. છોકરીના મૃત્યુ બાદ ડોક્ટરોએ તેમની બેદરકારી છુપાવવા કહ્યું કે તેની હાલત ગંભીર છે અને તેને અહીંથી કોઇ સારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવે. અમે કંઈ કરી શકતા નથી. પરિવારજનોનો આરોપ છે કે ડોક્ટરે આ માહિતી આપી ત્યાં સુધીમાં ભારતીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. જો કે, હજુ સુધી પરિવારજનો દ્વારા સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.