Weather updates: આખો દેશ ગરમીમાં શેકાઈ છે, પણ આ ત્રણ ગામ વરસાદમાં ભીંજાયા

તિરુવનંતપુરમઃ આખા દેશમાં પ્રચંડ ગરમીનું મોજું છે અને લોકો 40થી 45 ડિગ્રી તાપમાં શેકાઈ છે ત્યારે દેશના એક ખૂણામાં એવા ગામ છે જે વરસાદી માહોલનો આનંદ પણ લઈ રહ્યા છે અને હાલાકી પણ ભોગવી રહ્યા છે. આ ત્રણ ગામ દક્ષિણી રાજ્ય કેરળના છે.
હવામાન વિભાગે રવિવાર અને સોમવાર માટે પથાનમથિટ્ટા, કોટ્ટયમ અને ઇડુક્કી જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને અન્ય ચાર જિલ્લાઓ તિરુવનંતપુરમ, કોલ્લમ, અલપ્પુઝા અને એર્નાકુલમ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટયમ, ઇડુક્કી, એર્નાકુલમ, કન્નુર અને કાસરગોડ જિલ્લામાં રવિવારે બપોરે 1 વાગ્યા સુધી ગાજવીજ સાથે એક કે બે જગ્યાએ મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળની ડમરીઓ આવવાની પણ આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Weather : બંગાળની ખાડીમાં ચક્રવાતની સંભાવનાના પગલે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું, આ રાજ્યો થશે પ્રભાવિત
ઇડુક્કી જિલ્લા કલેક્ટરે રવિવારથી રેડ અને ઓરેન્જ એલર્ટ પાછી ખેંચી લેવામાં ન આવે ત્યાં સુધી જિલ્લાના પહાડી વિસ્તારોમાં રાત્રિ દરમિયાન મુસાફરી કરવા પર પ્રતિબંધનો આદેશ આપ્યો છે. એક અધિકારીએ કહ્યું, પ્રતિબંધને અસરકારક રીતે લાગુ કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પ્રાદેશિક પરિવહન અધિકારી અને તહસીલદારને કડક સૂચનાઓ આપવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને એર્નાકુલમ અને કોટ્ટાયમ જિલ્લામાં ખોદકામ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તિરુવનંતપુરમના દક્ષિણ જિલ્લામાં શનિવારે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેર અને તેના ઉપનગરોમાં પાણી ભરાવાને કારણે સામાન્ય જીવન પ્રભાવિત થયું હતું. અહીં ઘર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોનું રોજબરોજનું જીવન પ્રભાવિત થયું છે.
જોકે કેરળમાં ચોમાસાનો પ્રવેશ દેશભરના લોકો માટે રાહતનો સાબિત થાય છે. અહીં સમયસર બેસલું ચોમાસું દેશભરમાં સમયસર વરસાદનો વરતારો પણ આપે છે.