
કાંગડા: હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ધનગુ નજીક ચક્કી નદી પરના રેલવે પુલની રીટેનિંગ દીવાલ સોમવારે સતત વરસાદને કારણે ધરાશાયી થઈ, જેનાથી દિલ્હી-જમ્મુ રેલમાર્ગ પર મુસાફરી કરતા લોકોમાં ભય ફેલાયો હતો. આ ઘટના દરમિયાન એક ટ્રેન પુલ પરથી પસાર થઈ રહી હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. આ ઘટના બાદ સ્થાનિક વહીવટ અને રેલવે અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચક્કી નદી પરના રેલવે પુલની રીટેનિંગ દીવાલ ભારે વરસાદને કારણે ધસી પડી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે એક ટ્રેન પુલ પરથી પસાર થઈ રહી હતી. આ ઘટના કાંગડા જિલ્લાના ધનગુ ખાતે બની હતી, જે હિમાચલ પ્રદેશ અને પંજાબની સરહદ પર આવેલું છે. ઉલ્લેખનીય છે કે સદનસીબે, ટ્રેન પુલ પરથી સુરક્ષિત પસાર થઈ, અને કોઈ મોટી દુર્ઘટના બની નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દીવાલ ધરાશાયી થતી જોવા મળે છે.
નુરપુરના પોલીસ અધિક્ષક દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે પુલની રીટેનિંગ દીવાલ તૂટી પડી હતી. તેમણે જણાવ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને નજીકનો ધનગુ રોડ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે, અને રેલવે અધિકારીઓને જાણ કરવામાં આવી છે. રેલવે અધિકારીઓ હવે પુલની સુરક્ષાનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને જરૂરી સમારકામની તૈયારી કરી રહ્યા છે. ચક્કી નદીનું જળસ્તર પણ સતત વરસાદને કારણે વધ્યું છે, જેના પર અધિકારીઓ નજર રાખી રહ્યા છે.
આપણ વાંચો: ધનખડના રાજીનામા પહેલા રાજનાથના કાર્યાલયમાં અસામાન્ય ગતિવિધિઓથી રાજકારણ ગરમાયું
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલન, રસ્તાઓ બંધ થવા અને માળખાગત નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ચોમાસાની સિઝનમાં ભૂસ્ખલન અને પૂરને કારણે પુલો અને રેલવે પાટા ઘણીવાર પ્રભાવિત થાય છે. અધિકારીઓએ મુસાફરો અને સ્થાનિક રહેવાસીઓને સાવચેત રહેવા અને હવામાનની અપડેટ્સના આધારે મુસાફરીનું આયોજન કરવા અપીલ કરી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી થોડા દિવસ સુધી હિમાચલમાં વરસાદી વાતાવરણ યથાવત્ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દિલ્હી-જમ્મુ રેલમાર્ગનો ઉપયોગ કરતા મુસાફરોને ટ્રેનના સમયપત્રકની અપડેટ્સ લેતા રહેવા જણાવાયું છે, કારણ કે સુરક્ષા નિરીક્ષણ અને સમારકામને લીધે વિલંબ કે રદ થવાની શક્યતા છે. રેલવે અધિકારીઓએ દિલ્હી-જમ્મુ માર્ગ પરના તમામ પુલોનું તાત્કાલિક નિરીક્ષણ કરવાની સૂચના આપી છે.