આસામના સીએમ Himanta Biswa Sarmaની આક્રમક નિવેદન બાદ મુશ્કેલી વધી, વિપક્ષે ફરિયાદ નોંધાવી
નવી દિલ્હી : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના(Himanta Biswa Sarma)આક્રમક નિવેદને તેમની માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. જેમાં તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે , મિયાં-મુસલમાનોને આસામ પર કબજો નહિ કરવા દઉ. કોંગ્રેસ ગમે તેટલી બૂમો પાડી શકે છે, પરંતુ હું આસામને ‘મિયાં ભૂમિ’ નહીં બનવા દઉં. તેમના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું હતું.
કોઇ એફઆઇઆર દાખલ કરવામાં આવી નથી
આસામના મુખ્યમંત્રીના આ નિવેદન બાદ અનેક વિપક્ષી દળોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમના પર ધર્મ અને જાતિના આધારે અલગ-અલગ જૂથો વચ્ચે દુશ્મનાવટ વધારવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગુવાહાટી પૂર્વના ડીસીપી મૃણાલ ડેકાએ પુષ્ટિ કરી છે કે દિસપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળી છે. પરંતુ બુધવાર સાંજ સુધી કોઇ એફઆઇઆર દાખલ કરવામાં આવી નથી.
સંયુક્ત વિરોધ મંચ વતી ફરિયાદ નોંધાવી
આ ફરિયાદ આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન બોરા અને આસામ રાષ્ટ્રીય પરિષદના લુરીનજ્યોતિ ગોગોઈએ સંયુક્ત વિરોધ મંચ વતી નોંધાવી છે. સંયુક્ત વિરોધ મંચે ભાજપ અને તેના સાથી પક્ષોનો વિરોધ કરતી વિવિધ સંસ્થાઓનું એક સંગઠન છે. ફરિયાદ નોંધાવવા ગયેલા નેતાઓમાં રાજ્યસભાના સ્વતંત્ર સાંસદ અજીત ભુઇયા, આસામ વિધાનસભામાં વિપક્ષના નેતા દેવબ્રત સૈકિયા અને કોંગ્રેસના ધુબરીના સાંસદ રકીબુલ હુસૈન સામેલ હતા.
ગુનાહિત કાવતરું કરવાનો આરોપ
આ નેતાઓએ હિમંતા બિસ્વા સરમા પર રાજ્યમાં અશાંતિ ફેલાવવા માટે ગુનાહિત કાવતરું કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે જો તેમની ધરપકડ અથવા રોકવામાં નહીં આવે તો રાજ્યમાં રમખાણો જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેમજ માંગ કરી છે કે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનાહિત કાવતરું અને વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા બદલ તેની સામે એફઆઈઆર નોંધવામાં આવે.
બાળકી પર કથિત ગેંગરેપ થયા બાદ વિવાદ વકર્યો
જ્યારે વિપક્ષોએ આ આક્ષેપ અને ફરિયાદ કરી હતી. જ્યારે આસામના અનેક વિસ્તારોમાં કોમી તણાવ છે. જેમાં 22 ઓગસ્ટે નાગાંવ જિલ્લામાં 14 વર્ષની બાળકી પર કથિત ગેંગરેપ થયા બાદ વિવાદ વકર્યો હતો. મુખ્યમંત્રી અને તેમના ઘણા મંત્રીઓએ આ ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમજ મુખ્ય આરોપીના પોલીસ કસ્ટડીમાં મૃત્યુની બાબત પણ ચર્ચામાં છે. આ ઘટનાની સાથે જ વિપક્ષોની ફરિયાદમાં શિવસાગર જિલ્લામાં ચાલી રહેલા સાંપ્રદાયિક તણાવનો પણ ઉલ્લેખ છે.
Also Read –