દુશ્મનોને ઓળખવાનો આવી ગયો સમયઃ મણિપુરના સીએમે શા માટે કરી લોકોને અપીલ?

ઇમ્ફાલ: રાજ્ય મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને લોકો માટે એકજૂથ થવાનો અને વાસ્તવિક દુશ્મનો કોણ છે તે ઓળખવાનો સમય આવી ગયો છે, એમ મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે સોમવારે જણાવ્યું હતું. આ વાત તેમણે ઈમ્ફાલ રીંગ રોડ પ્રોજેક્ટના ફ્લેગ ઓફ સમારોહમાં કહી હતી.
તેમણે જણાવ્યું હતું કે આજે આપણે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. આ પહેલી વાર નથી જ્યારે આપણે મુશ્કેલ તબક્કાનો સામનો કરી રહ્યા છીએ. ૧૯૯૨-૯૩ના વંશીય સંઘર્ષ દરમિયાન ૧૦૦૦થી વધુ લોકોના જીવ ગયા હતા. આજે આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ.
આપણે એવા તત્વો સાથે વ્યવહાર કરી રહ્યા છીએ જેઓ ૨૦૦૦વર્ષથી વધુ ઇતિહાસ ધરાવતા રાજ્યને તોડવા માંગે છે. તેમણે કહ્યું હતું કે આપણે તેમને ક્યારેય જીતવા કે હાંસલ કરવા દઈશું નહીં. પેરિફેરલ વિસ્તારોમાં ૩૦૦૦થી વધુ રાજ્ય દળોને તહેનાત કરવામાં આવ્યા છે.
સિંહે લોકોને અપીલ કરી હતી કે ઈમ્ફાલ ખીણમાં વિક્ષેપ ન ઉશ્કેરવો. ખીણને શાંતિપૂર્ણ રહેવા દો. મણિપુર આપણી એકમાત્ર ફરજ છે. હવે કોઈ રેલી નહીં. ચાલો રાજ્યના અસલી દુશ્મનોને ઓળખીએ અને તેમનો સામનો કરીએ. તેમણે દાવો કર્યો હતો કે છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં ઘણો સુધારો થયો છે અને પોલીસ અને લોકો વચ્ચેના સંબંધો સુધર્યા છે.