નેશનલ

મધ્યપ્રદેશમાં એકસાથે 6 મહિલા જજને બરખાસ્ત કરવાની ઘટનાની સુપ્રીમે સુઓમોટો નોંધ લીધી

નવી દિલ્હી: કામગીરી ‘સંતોષજનક’ ન હોવાનું કારણ આગળ ધરી મધ્યપ્રદેશમાં એકસાથે 6 મહિલા ન્યાયાધીશોને હાઇકોર્ટની ભલામણ બાદ ફરજ પરથી બરખાસ્ત કરવાનો નિર્ણય લેવાયો હતો, જેની સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી છે.
કોઇપણ રાજ્યના ઇતિહાસમાં આ પહેલીવારની જ ઘટના છે કે જ્યારે એકસાથે 6 મહિલા જજોને તેમના પ્રોબેશન પિરીઅડ દરમિયાન જ નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. તમામ મહિલા ન્યાયાધીશો મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓની અદાલતોમાં નિમણુક પામેલા હતા. બરખાસ્ત કર્યા બાદ આ મામલે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.

આ તમામ મહિલા ન્યાયાધીશોને બરખાસ્ત કરવાના મુદ્દે ગત 8 અને 10 મે 2023ના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટની વહીવટી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 13 મે, 2023ના રોજ ફુલ કોર્ટ મીટિંગ પણ યોજાઈ હતી. આ બેઠકોમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ ન્યાયાધીશોને સેવામાંથી દૂર કરવા સરકારને ભલામણ કરવામાં આવે. એ પછી, 9 જૂને રાજ્યના કાયદા વિભાગે કાર્યવાહી કરતા મહિલા ન્યાયાધીશોને સેવામાંથી બરતરફ કરવામાં આવી હતી. જેમાં પ્રોબેશન પીરિયડ દરમિયાન ન્યાયાધીશ તરીકેની કામગીરી તેમણે સંતોષકારક અને સફળતાપૂર્વક પૂર્ણ ન કરી હોવાનું કારણ આપી તેમને બરખાસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બરખાસ્ત થયેલી 6માંથી 3 મહિલા ન્યાયાધીશોએ સુપ્રીમમાં આ નિર્ણયને પડકારતી અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજી મંજૂર કરી તેના પર સ્વયં સંજ્ઞાન એટલે કે સુઓમોટો લેતા કોર્ટ મિત્ર નિયુક્ત કર્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટને કેસની તપાસમાં મદદ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button