
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર થપ્પડ કાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. સમગ્ર કેસમાં ઉત્તરપ્રદેશની સરકારનું વલણ જોઇને સુપ્રીમ કોર્ટે સરકારનો દ્રષ્ટિકોણ ‘ચોંકાવનારો’ છે તેવી ટિપ્પણી કરી છે. કોર્ટે પીડિત વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ અને અન્ય સ્કૂલમાં તેને દાખલ કરાવવા અંગે અપાયેલા આદેશોનું પાલન ન કરવા અંગે સરકાર અને રાજ્યના શિક્ષણ વિભાગની ઝાટકણી કાઢી છે.
આજની સુનાવણીમાં કોર્ટે ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સને બાળકનું કાઉન્સેલિંગ કરવાનો આદેશ આપ્યો હતો. તેમજ શિક્ષણ વિભાગના સચિવને 11 ડિસેમ્બરે થનારી આગામી સુનાવણી માટે વર્ચ્યુઅલી હાજર થવાનો હુકમ કર્યો છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની બેન્ચ તુષાર ગાંધીની અરજી પર સુનાવણી કરી રહી છે જેમાં યુપીના મુઝફ્ફરનગરમાં એક મુસ્લિમ બાળકને તેના શિક્ષકના આદેશ પર તેના ક્લાસના કેટલાક વિદ્યાર્થીઓએ મારપીટ કરી હતી. અરજીકર્તા તુષાર ગાંધીએ આ કેસમાં નિષ્પક્ષ તપાસની માગ કરી હતી. સુપ્રીમે ગત સુનાવણીમાં કહ્યું હતું કે આવી ઘટનાઓથી રાજ્યનો અંતરાત્મા હલી જવો જોઇએ, સરકાર અનૌપચારિક રીતે કેસ નીપટાવી રહી છે.
આપણે કાઉન્સેલિંગ માટે એક એજન્સી શોધવી પડશે, જે કહી શકે કે બાળકને પ્રવેશ આપવા માટે સ્કૂલ તૈયાર છે. જ્યાં સુધી એ આદેશ પસાર નહિ કરીએ ત્યાં સુધી કંઇ થઇ શકશે નહિ. તમારે સ્ટેન્ડ લેવું પડશે કે તમે કંઇ કરવાના છો કે ફક્ત ચહેરો બચાવવા માગો છો. જો તમારા રાજ્યમાં બાળકો સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે, ત્યારે ઘટના બન્યાના 3 મહિના બાદ કાઉન્સેલિંગનો શું મતલબ છે? તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.