
દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં આબકારી નીતિ અંગે થયેલા કૌભાંડમાં આમ આદમી પાર્ટી નેતા સંજય સિંહની ધરપકડ અંગે ED પાસેથી જવાબ માંગ્યો છે. AAP સાંસદ સંજય સિંહની તેમની ધરપકડને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટે EDને નોટિસ ફટકારી જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે “જો (સંજય સિંહે)ધરપકડને પડકારતી અરજી કરી તેના બદલે નીચલી અદાલતમાં જામીન અરજી આપી હોત તો તે વધુ યોગ્ય હોત.” હવે આ કેસમાં આગળની સુનાવણી ડિસેમ્બરમાં યોજાશે.
રાજધાનીમાં આબકારી નીતિમાં નાણાની ગેરકાયદે હેરાફેરીના આરોપસર EDએ આમ આદમી પક્ષના નેતા સંજય સિંહની ધરપકડ કરી હતી. તેઓ 24 નવેમ્બર સુધી જેલમાં રહેશે. અગાઉ રાઉઝ એવન્યુ કોર્ટમાં થયેલી સુનાવણીમાં AAP નેતાને વધુ 14 દિવસ કસ્ટડી વધારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે પછી સંજય સિંહે દિલ્હી હાઇકોર્ટમાં પણ અરજી કરી જોઇ, પરંતુ તેમને કોઇ રાહત મળી ન હતી. દિલ્હી હાઇકોર્ટે તેને અકાળે થયેલી અરજી ગણાવીને ફગાવી દીધી હતી.
આ પછી AAP નેતા સંજય સિંહે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમે પ્રવર્તમાન નિદેશાલય દ્વારા થયેલી તેમની ધરપકડ અને રિમાન્ડને સમર્થન આપ્યું હતું. EDએ 4 ઓક્ટોબરના રોજ નોર્થ એવેન્યુ વિસ્તારમાં સંજય સિંહના નિવાસસ્થાને સર્ચ કર્યા બાદ તેમની ધરપકડ કરી હતી.