પત્રકારોના ઉપકરણો જપ્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે આપ્યું મહત્વનું નિવેદન..
નવી દિલ્હી: કાનૂની એજન્સીઓ દ્વારા મીડિયાકર્મીઓના ડિજિટલ સાધનો જપ્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પત્રકારોને જડતી, તેઓ જે સાધનો વાપરતા હોય તેને જપ્ત કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપતા કહ્યું હતું કે જ્યાં સુધી યોગ્ય નિયમો લાગુ કરવામાં ન આવે ત્યાં સુધી CBI, ED સહિતની તમામ તપાસ એજન્સીઓ CBI મેન્યુઅલનું કડકપણે પાલન કરશે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને માર્ગદર્શિકા નક્કી કરવા માટે 6 અઠવાડિયાનો સમય આપ્યો છે. આ અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે માર્ગદર્શિકાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. હવે આ મામલે આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીએ યોજાશે.
કેન્દ્ર તરફથી માર્ગદર્શિકા જાહેર કરવામાં વિલંબ થતા સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણીમાં સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મુદ્દે નોટિસ બે વર્ષ પહેલા આપવામાં આવી હતી. તેમજ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને વધુ એક સપ્તાહનો સમય પણ આપ્યો હતો. તે સમયે કેન્દ્રએ કહ્યું હતું કે એક કમિટી બનાવવામાં આવી છે, આવતા સપ્તાહ સુધીમાં કંઈક સકારાત્મક ઉકેલ આવી શકે છે.
જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેંચમાં કેન્દ્ર સરકાર વતી ASG એસવી રાજુએ કહ્યું હતું કે આ મુદ્દે એક સમિતિની રચના કરવામાં આવી છે. આમાં થોડો વધુ સમય લાગી શકે છે, આથી સરકારને વધુ એક સપ્તાહનો સમય આપવો જોઈએ.
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે તપાસ એજન્સીઓ દ્વારા પત્રકારોના ઈલેક્ટ્રોનિક ઉપકરણોને જપ્ત કરવા અંગે માટે ટૂંક સમયમાં માર્ગદર્શિકા ઘડવામાં આવશે.
જસ્ટિસ સંજય કિશન કૌલે ASGને પૂછ્યું કે નોટિસ જાહેર કર્યાને 2 વર્ષ થઈ ગયા છે, અમુક સમય મર્યાદા હોવી જોઈએ.
ફાઉન્ડેશન ફોર મીડિયા પ્રોફેશનલ્સ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ‘ભીમા કોરેગાંવ’ તથા ‘ન્યૂઝક્લિક’ના કેસમાં 7 નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે કાનૂની એજન્સીઓ દ્વારા પત્રકારોના ડિજિટલ ઉપકરણોને એજન્સીઓ દ્વારા જપ્ત કરવા અંગે મોટો હસ્તક્ષેપ કર્યો હતો.
કોર્ટે મીડિયાકર્મીઓ માટે અલગ માર્ગદર્શિકાની હિમાયત કરી હતી અને કહ્યું હતું કે આ ગંભીર બાબત છે. મીડિયા પ્રોફેશનલ્સની સુરક્ષા માટે વધુ સારી માર્ગદર્શિકા હોવી જોઈએ. કેન્દ્ર સરકારે મીડિયા પ્રોફેશનલ્સના સાધનો જપ્ત કરવા અંગે માર્ગદર્શિકા તૈયાર કરવી જોઈએ. આ મીડિયા પ્રોફેશનલ્સના પોતાના સ્ત્રોત છે. હિતો વચ્ચે સંતુલન હોવું જોઈએ. અમે ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે ગણ્યો છે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.