ઝારખંડના મુખ્ય પ્રધાનને સુપ્રીમ કોર્ટે સલાહ આપી પણ રાહત ના આપી…

સુપ્રીમ કોર્ટે આજે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. મની લોન્ડરિંગ કેસમાં EDના સમન્સ સામે હેમંત સોરેન સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે તેમને અગાઉ ઝારખંડ હાઈ કોર્ટમાં જવાનું કહ્યું હતું. હેમંત સોરેને સુપ્રીમ કોર્ટમાં બીજી અરજી દાખલ કરી હતી.
EDના નવા સમન્સને પણ પડકારવામાં આવ્યો છે. EDએ તેમને રાંચીમાં જમીનના પાર્સલના વેચાણ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે. સોરેને અરજીમાં આરોપ લગાવ્યો છે કે સુપ્રીમ કોર્ટમાં કાનૂની પડકાર હોવા છતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સમન્સ જારી કરવાનું ચાલુ રાખ્યું હતું. નવા સમન્સ અને તેને રદ કરવા પર રોક લગાવવાની માંગ કરતા મુખ્ય પ્રધાને અરજીમાં જણાવ્યું છે કે તેમને ધમકાવવા, અપમાનિત કરવા અને ડરાવવા માટે ‘વારંવાર’ જારી કરવામાં આવેલા સમન્સ ‘રાજકીય રીતે પ્રેરિત’ છે.
સોરેન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ સર્વોચ્ચ અદાલતમાં દાવો કર્યો હતો કે આ ખોટી રીતે કોઇને હેરાન કરવાનો કેસ છે. તેના પર જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેંચે કહ્યું હતું કે રોહતગી જી, તમે હાઈકોર્ટમાં કેમ નથી જતા? ના ના, તમે હાઈકોર્ટમાં જાઓ. અમે તમને પિટિશન પાછી ખેંચી લેવાની પરવાનગી આપીશું. અને ત્યારબાદ પિટિશન પાછી ખેંચી લેવામાં આવી હતી.
હેમંત સોરેનના મતે આ કેસ અપમાનજનક, અયોગ્ય અને ગેરકાયદેસર’ છે તેમજ આ સમન્સનો હેતુ રાજ્યના મુખ્ય પ્રધાનના ઉચ્ચ પદને નબળી પાડવાનો છે. સમન્સમાં તેમને ઝારખંડના મુખ્ય પ્રધાન તરીકે સંબોધવામાં આવ્યા છે. જે તેમને અયોગ્ય લાગ્યું હતું.
કેન્દ્રીય એજન્સી એક ડઝનથી વધુ જમીન સોદાઓની તપાસ કરી રહી છે, જેમાં રક્ષા ભૂમિ સંબંધિત એક સોદો પણ છે, જેમાં માફિયાઓ, વચેટિયાઓ અને અમલદારોના એક જૂથે કથિત રીતે 1932ના નકલી દસ્તાવેજો બનાવવા માટે મિલીભગત કરી હતી. EDએ અત્યાર સુધી ઝારખંડમાં સોરેનના રાજકીય સહયોગી પંકજ મિશ્રા સહિત ઘણા લોકોની ધરપકડ કરી છે. સોરેનને શરૂઆતમાં 3 નવેમ્બર 2022 ના રોજ ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે સરકારની વ્યસ્તતાનું બહાનું કરીને તે હાજર થયા નહોતા.