ગુનો હવસનું નહીં, પરંતુ પ્રેમનું પરિણામ હતું: સુપ્રીમ કોર્ટે POCSOના આરોપીને નિર્દોષ જાહેર કર્યો, જાણો સમગ્ર મામલો | મુંબઈ સમાચાર
નેશનલ

ગુનો હવસનું નહીં, પરંતુ પ્રેમનું પરિણામ હતું: સુપ્રીમ કોર્ટે POCSOના આરોપીને નિર્દોષ જાહેર કર્યો, જાણો સમગ્ર મામલો

નવી દિલ્હી: બાળકોના જાતીય શોષણ, જાતીય સતામણી સામે રક્ષણ આપવા માટે વર્ષ 2012માં POCSO એક્ટ અમલમાં લાવવામાં આવ્યો છે. આ એક્ટ હેઠળ અત્યારસુધી અનેક લોકોને સજા થઈ ચૂકી છે. જોકે, તાજેતરમાં એક કેસ એવો આવ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે IPCની કલમ 366 અને POCSO એક્ટની કલમ 6 હેઠળ ગુનેગાર સાબિત થયેલા વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો છે. આવો જાણીએ સમગ્ર મામલો શું છે.

આરોપીએ કર્યા પીડિતા સાથે લગ્ન

તમિલનાડુના કે. કિરૂબાકરણ નામના વ્યક્તિને અપહરણ અને જાતીય સતામણીના આરોપસર નીચલી કોર્ટે દોષી જાહેર કર્યો હતો. આ ગુના હેઠળ તેને IPC અને POCSO એક્ટની કલમ હેઠળ તેને પાંચ અને દસ વર્ષના કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. નીચલી કોર્ટના આ આદેશને લઈને કે. કિરૂબાકરણે મદ્રાસ હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. મદ્રાસ હાઈ કોર્ટે પણ નીચલી અદાલતના આદેશને માન્ય રાખ્યો હતો.

જોકે, મદ્રાસ હાઈ કોર્ટમાં જ્યારે કે. કિરૂબાકરણની અપીલ પેન્ડિંગ હતી. ત્યારે કે. કિરૂબાકરણે આ ગુનાની પીડિત યુવતી સાથે ‘મે 2021’માં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તેઓને એક સંતાન પણ થયું હતું. કે. કિરૂબાકરણ પોતાની પત્ની અને સંતાન સાથે સુખી વૈવાહિક જીવન જીવી રહ્યો છે. એવું તમિલનાડુ રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના અહેવાલમાં પણ સામે આવ્યું હતું. જેથી મદ્રાસ હાઈ કોર્ટના આદેશ બાદ કે. કિરૂબાકરણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીના સમર્થનમાં કે. કિરૂબાકરણની પત્નીએ પણ સોગંદનામું રજૂ કરીને કહ્યું હતું કે, તે પોતાના પતિ સાથે શાંતિપૂર્ણ રીતે જીવન જીવવા ઇચ્છે છે. તેના પર તે અને તેનું બાળક નિર્ભર છે. આ સાથે મૂળ ફરિયાદી એટલે કે પીડિતાના પિતાએ પણ કોર્ટ સમક્ષ વર્ચ્યુલી હાજર રહીને કહ્યું હતું કે, તેઓને કાર્યવાહી પૂરી કરવામાં કોઈ વાંધો નથી.

ગુનો હવસ નહીં, પ્રેમનું પરિણામ છે

કે. કિરૂબાકરણની અરજીને લઈને તાજેતરમાં સુપ્રીમ કોર્ટની જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઑગસ્ટીન જૉર્જ મસીહની ખંડપીઠે મહત્ત્વનો ચૂકાદો આપ્યો હતો. ખંડપીઠે બંધારણના અનુચ્છેદ 142 હેઠળ પોતાની અસાધારણ શક્તિનો ઉપયોગ કરીને કે. કિરૂબાકરણને નિર્દોષ જાહેર કરીને તેની સજા રદ્દ કરી દીધી હતી. “કાયદાનો અંતિમ ઉદ્દેશ્ય સમાજનું કલ્યાણ છે.” ન્યાયમૂર્તિ બેંજામીન કાર્ડોઝોની આ ટિપ્પણીને ટાંકતા ખંડપીઠે જણાવ્યું હતું કે, ફોજદારી કાયદો, સમાજની સામૂહિક ચેતનાની અભિવ્યક્તિ હોવા છતાં, “વ્યવહારિક વાસ્તવિકતાઓ” અને “ન્યાય દ્વારા નિયંત્રિત કરુણા” અનુસાર પણ લાગુ થવો જોઈએ.

ખંડપીઠે આગળ જણાવ્યું કે, “અપીલકર્તા દ્વારા કરવામાં આવેલા ગુનો પોક્સો એક્ટ હેઠળ સજાપાત્ર છે, પરંતુ તેના પર વિચાર કરતા અમે એ નોંધ્યું કે તે હવસનું નહીં, પરંતુ પ્રેમનું પરિણામ હતું. ફોજદારી કાર્યવાહી ચાલુ રહેવાથી અને અપીલકર્તાને કારાવાસમાં રાખવાની ન માત્ર પારિવારિત એકમમાં વિક્ષેપ પડશે તથા પીડિતા, નવજાત બાળક અને સમાજના માળખાને ન ભરવાપાત્ર નુકસાન થશે. કાયદો સૌથી ગંભીર અપરાધીઓને પણ યોગ્ય કેસોમાં કરૂણા દ્વારા ન્યાય આપે છે. આ વિશિષ્ટ તથ્યો અને પરિસ્થિતિઓને ધ્યાને લેતા વ્યવહારિકતા અને સહાનુભૂતિનું સંતુલન સંયોજીત કરવું જરૂરી છે. આ એક એવો કેસ છે, જ્યાં કાયદાએ ન્યાય આગળ નમવું પડશે.”

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કે. કિરૂબાકરણને નિર્દોષ જાહેર કરીને તેની સજા રદ્દ કરતા એ શરત પણ મૂકી છે કે, તે પોતાની પત્ની અને બાળકને છોડશે નહીં અને આજીવન તેમનું સન્માનપૂર્વક પાલનપોષણ કરશે. જો તે આ શરતનું ઉલ્લંઘન કરશે તો તેને ગંભીર પરિણામ ભોગવવું પડશે.

આ પણ વાંચો…ધર્માંતરણમાં સરકારી દખલગીરી ચિંતા જનક! સુપ્રીમ કોર્ટે ધર્માંતરણ વિરોધી કાયદા પર ઉઠાવ્યા સવાલ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button