પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરક્ષા તંત્રને કરાયું એલર્ટ, અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક
લખનઊ: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્વે દિલ્હી સહિત અન્ય રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જ્યારે અયોધ્યા અભેદ્ય કિલ્લામાં ફેરવાયું છે. પાટનગર દિલ્હીમાં પોલીસને એલર્ટ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. દેશના પાટનગર દિલ્હીના મુખ્ય મંદિરો, વિભિન્ન માર્કેટમાં સુરક્ષા વ્યવસ્થા વધારવાની સાથે સીસીટીવી કેમેરા મારફત ધ્યાન રાખવાના આદેશ આપ્યા છે.
અયોધ્યામાં બ્લેક કેટ કમાન્ડોને તહેનાત રાખવાની સાથે ફાઈવ લેયર સુરક્ષા રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસ સહિત વિભિન્ન સુરક્ષા એજન્સીના 13,000થી વધુ જવાનને તહેનાત રાખવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ માટે બ્લેક કેટ કમાન્ડો, એન્ટિ ડ્રોન અને એન્ટિ માઈન્સ ડ્રોન સિસ્ટમ અને એઆઈ આધારિત સુરક્ષા વ્યવસ્થાને સંભાળવામાં આવશે.
સમગ્ર અયોધ્યાનગરી સુરક્ષા ગાર્ડના જવાનની સુરક્ષા સાથે 10,000થી વધુ સીસીટીવી કેમેરા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)થી સજ્જ હાઈ ટેક ડ્રોનથી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સાદા કપડામાં પોલીસ કર્મચારીઓ પણ તહેનાત કરવામાં આવ્યા છે. અયોધ્યાના ધર્મપથ અને રામપથથી લઈને જ્યાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે તેવા હનુમાનગઢી વિસ્તાર અને અશર્ફી ભવન રોડ સુધી પોલીસ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ની ટીમે પણ શનિવારે અયોધ્યામાં પેટ્રોલિંગ કર્યું હતું. શહેરના મહત્વના ચોક પર કાંટાળા તાર બાંધવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ તેનો ઉપયોગ ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે કરે છે. આ ઉપરાંત, મંદિર પરિસરની સુરક્ષાની જવાબદારી સિક્યોરિટી, ફેસિલિટી મેનેજમેન્ટ અને કેશ લોજિસ્ટિક કંપની એસઆઈએસને સોંપી છે. કંપનીને ઓફિશિયલ પ્રાઈવેટ સિક્યોરિટી પ્રદાતા છે. મંદિરનું નિર્માણ કાર્ય શરુ કરવામાં આવ્યું ત્યારથી સિક્યોરિટી ગાર્ડ તહેનાત કરવામાં આવતા હતા. 2022થી કંપની સુરક્ષા વ્યવસ્થા સંભાળે છે.
યુપીના પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે તાજેતરમાં કહ્યું હતું કે 22 જાન્યુઆરીએ યોજાનાર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. આ માટે ઉત્તર પ્રદેશ પોલીસે સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે અને તેની સાથે દરેક રસ્તા પર સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. અયોધ્યામાં આયોજિત કાર્યક્રમના સ્થળે સારી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કુમારે કહ્યું હતું કે આ માટે સમગ્ર અયોધ્યા જિલ્લામાં 10,000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આમાંના કેટલાક સીસીટીવી કેમેરામાં અમે એઆઇ આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ જેથી અમે લોકો પર નજીકથી નજર રાખી શકીએ.” સાદા કપડામાં પોલીસ જવાનો તહેનાત રહેશે.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું હતું કે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમોની મદદથી સરયૂ નદીના કિનારે સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. અમે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદ પર તપાસ ચાલી રહી છે. પોલીસ ભીડ નિયંત્રણ અને વધુ ભીડને દૂર કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરશે.