મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૮૩૦.૩૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાત પૈસા તૂટીને ૮૪.૭૩ની સપાટીએ બંધ રહ્યો હતો.
વધુમાં આજે આયાતકારો અને વિદેશી બૅન્કોની પણ ડૉલરમાં લેવાલી અને વિશ્ર્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધીને ક્વૉટ થઈ હ્હ્યા હોવાથી ગબડતાં રૂપિયાને ઢાળ મળ્યો હતો. જોકે, આજે માત્ર ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં અમુક અંશે ટેકો મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૪.૬૬ના બંધ સામે ઘટાડા સાથે ૮૪.૭૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૭૪ અને ઉપરમાં ૮૪.૬૮ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે સાત પૈસાની નરમાઈ સાથે ૮૪.૭૩ના મથાળે બંધ રહ્યો હતો. ગત ૪થી ડિસેમ્બરના રોજ ડૉલર સામે રૂપિયો ૮૪.૭૬ના ઐતિહાસિક તળિયે રહ્યો હતો.
Also Read – નાણાકીય વર્ષ ૨૦૨૪માં કોપરની માગ ૧૩ ટકા વધી: જાણો વિગતો
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે ૦.૦૯ ટકાના સાધારણ ઘટાડા સાથે ૧૦૫.૯૬ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, પરંતુ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૮૯ ટકા વધીને ૭૧.૭૫ ડૉલર પ્રતિ બેરલ ક્વૉટ થઈ રહ્યા હતા.