
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામાએ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. આ રાજીનામા બાદ રાજકાણ પર અનેક અટકળો શરૂ થઈ ચૂકી છે. કોંગ્રેસે દાવો માંડ્યો છે, કે ધનખડે આરોગ્યના કારણો દર્શાવી આપેલા રાજીનામા પાછળ ઘણા ગંભીર કારણો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે ધનખડનું રાજીનામું તેમના વ્યક્તિત્વ અને તેમને આ પદ સુધી પહોંચાડનારા લોકોની નિયત પર સવાલો ઉભા કરે છે. આ ઘટનાએ રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ કરી છે.
કોંગ્રેસે જણાવ્યું કે સોમવારે બપોરે 12:30 વાગ્યે જગદીપ ધનખડે રાજ્યસભાની કાર્ય મંત્રણા સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં સદનના નેતા જે.પી.નડ્ડા અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રીજીજુ સહિત મોટાભાગના સભ્યો હાજર હતા. ચર્ચા બાદ બેઠકને સાંજે 4:30 વાગ્યે ફરીથી યોજવાનું નક્કી થયું હતું. જોકે, સાંજની બેઠકમાં નડ્ડા અને રીજીજુ ગેરહાજર રહ્યા, અને ધનખડને આ અંગે કોઈ અગાઉથી જાણ કરી ન હતી. આનાથી નારાજ ધનખડે બેઠકને મંગળવારે બપોરે 1 વાગ્યે ફરીથી યોજવાનું નક્કી કર્યું, અને ત્યારબાદ તેમણે રાજીનામું આપી દીધું.
નડ્ડા-રીજીજુની ગેરહાજરી પર સવાલ
જયરામ રમેશે દાવો કર્યો કે સોમવારે બપોરે 1 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા દરમિયાન કોઈ ગંભીર ઘટના બની હતી, જેના કારણે જે.પી. નડ્ડા અને કિરેન રીજીજુએ કાર્ય મંત્રણા સમિતિની સાંજની બેઠકમાં હાજરી ન આપી. રમેશના મતે, ધનખડને આ ગેરહાજરી વિશે જાણકારી ન આપવામાં આવી, જેનાથી તેઓ નારાજ થયા હોવાનું માનવામાં આવે છે. કોંગ્રેસે આ ઘટનાને ધનખડના રાજીનામાનું એક મહત્વનું કારણ ગણાવ્યું છે. રમેશે એમ પણ કહ્યું કે ધનખડ હંમેશાં નિયમો, પ્રક્રિયાઓ અને મર્યાદાઓનું સખતપણે પાલન કરવામાં માનતા હતા, પરંતુ તેમને લાગતું હતું કે તેમના કાર્યકાળ દરમિયાન આ બાબતોની અવગણના થઈ રહી છે.
આપણ વાંચો: ધનખડના રાજીનામા પહેલા રાજનાથના કાર્યાલયમાં અસામાન્ય ગતિવિધિઓથી રાજકારણ ગરમાયું
જગદીપ ધનખડે પોતાના કાર્યકાળ દરમિયાન ખેડૂતોના મુદ્દાઓ અને ન્યાયપાલિકાની જવાબદારી પર ખુલીને વાત કરી હતી. તેમણે સરકારની નીતિઓની પ્રશંસા કરી, પરંતુ સાથે જ સાર્વજનિક જીવનમાં વધતા અહંકારની ટીકા પણ કરી. ધનખડે હંમેશાં વિપક્ષને શક્ય તેટલી તક આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને નિયમોની અવગણના થતી હોવાનો અનુભવ થયો. કોંગ્રેસે દાવો કર્યો કે ધનખડનું રાજીનામું માત્ર આરોગ્યના કારણોસર નથી, પરંતુ તેમની સાથે થયેલા વ્યવહાર અને રાજકીય દબાણોનું પરિણામ છે.
ધનખડના રાજીનામા અને કોંગ્રેસના આક્ષેપો પર સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. જયરામ રમેશે એક્સ પર લખ્યું કે ધનખડનું રાજીનામું તેમના વિશે ઘણું બધું કહે છે, પરંતુ તે એ લોકોની નિયત પર પણ સવાલ ઉભા કરે છે જેમણે તેમને આ પદ સુધી પહોંચાડ્યા. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ છેડી છે, અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય હલચલ જોવા મળી શકે છે.