ભગવાન જગન્નાથના રાજ્યમાં મોહનનું રાજ
ભુવનેશ્વર: ચાર વખતના વિધાનસભ્ય અને આદિવાસી નેતા મોહન ચરણ માંઝી બુધવારે ઓડિશાના પહેલા ભાજપના મુખ્ય પ્રધાન બન્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેટલાક કેન્દ્રીય પ્રધાનો અને મુખ્ય પ્રધાનની હાજરીમાં એક સમારંભમાં તેમણે મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા.
ભાજપના સિનિયર નેતા અને પટનાગઢના વિધાનસભ્ય કે. વી. સિંહ દેવ અને નિમાપારા બેઠક પરથી પહેલી વખત ચૂંટણી જીતનારા પાર્વતી પરિદાએ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
રાજ્યપાલ રઘુબર દાસે જનતા મેદાનમાં આયોજિત સમારંભમાં તેમને શપથ લેવડાવ્યા હતા.
ઓડિશામાં પહેલી વખત ભાજપની સરકાર બની છે.
મોદી ઉપરાંત ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડા, કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, રાજનાથ સિંહ, ભૂપેન્દર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, જુઆલ ઓરમ, અશ્ર્વિની વૈશ્ર્ણવ અને અન્યો હાજર હતા.
ભાજપ શાસિત રાજ્યો ઉત્તર પ્રદેશ, ગુજરાત, ગોવા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આસામ, છત્તીસગઢ અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનો પણ હાજર રહ્યા હતા. ઓડિશાના વિદાય થઈ રહેલા મુખ્ય પ્રધાન નવીન પટનાયક પણ આ સમારંભમાં હાજર રહ્યા હતા. ઓડિશામાં 24 વર્ષ પછી બીજેડીના શાસનનો અંત આવ્યો છે. ભાજપને ઓડિશામાં 78 બેઠક મળી છે, જ્યારે પટનાયકની બીજેડીને 51 બેઠક મળી છે. 147 બેઠકની વિધાનસભામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમત છે. કૉંગ્રેસને 14 અને સીપીઆઈ-એમને એક બેઠક મળી છે. અપક્ષોને ત્રણ બેઠક મળી છે. (પીટીઆઈ)