ખાલિસ્તાન મુદ્દે કેનેડાના વડા પ્રધાને આપ્યું આ નિવેદન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે G20 સમિટ દરમિયાન કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે પણ મુલાકાત કરી હતી. બંને દેશના નેતાઓ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સંબંધો વિસ્તારવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. G20 સમિટ માટે ભારત પહોંચેલા વિશ્વના ઘણા નેતાઓ સાથે મોદીએ છેલ્લા ત્રણ દિવસમાં ઘણી બધી દ્વિપક્ષીય બેઠકો કરવામાં આવી હતી, જેમાં કેનેડાના વડા પ્રધાને ખાલિસ્તાન મુદ્દે મોટી વાત કરી હતી. પીએમ મોદી સાથેની વાતચીત બાદ પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે કેનેડા હંમેશાં શાંતિપૂર્ણ વિરોધની સ્વતંત્રતાનું રક્ષણ કરીશું પણ અમે હંમેશાં નફરત કરનારા લોકોને પ્રોત્સાહન નહીં આપીએ.
અમુક લોકોની ક્રિયાઓ સમગ્ર સમુદાય અથવા કેનેડાનું પ્રતિનિધિત્વ કરતી નથી. ભારત વિશ્વમાં એક અસાધારણ રીતે મહત્વપૂર્ણ અર્થતંત્ર છે અને તે કેનેડા માટે આબોહવા પરિવર્તનને પહોંચી વળવાથી લઈને તેના નાગરિકો માટે વૃદ્ધિ અને સમૃદ્ધિ સુધીની દરેક બાબતમાં એક મહાન ભાગીદાર છે. બંને પક્ષો હાલના સહકારને વિસ્તારવા પર વિચારણા કરવાનું ચાલુ રાખશે, એમ કેનેડાના વડા પ્રધાને જણાવ્યું હતું.
ખાલિસ્તાની ઉગ્રવાદ અને વિદેશી હસ્તક્ષેપ અંગેના પ્રશ્નના જવાબમાં ટ્રુડોએ કહ્યું હતું કે આ મુદ્દાઓ તેમની અને વડા પ્રધાન મોદી વચ્ચેની મંત્રણામાં છે. તેમણે કહ્યું હતું કે કેનેડા હંમેશાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ વિરોધની સ્વતંત્રતાનું રક્ષણ કરશે અને આ બાબત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આમ છતાં એ જ સમય દરમિયાન અમે દેશમાં હિંસા રોકવા અને નફરતને રોકવા માટે પણ તત્પર રહીશું. મને લાગે છે કે એ યાદ રાખવું અગત્યનું છે કે અમુક વ્યક્તિઓની ક્રિયાઓ સમગ્ર સમુદાય અથવા કેનેડાનું પ્રતિનિધિત્વ કરતી નથી, એવી તેમણે સ્પષ્ટતા કરી હતી.