
નવી દિલ્હીઃ બદરીનાથ મંદિરના કપાટ આજે સવારે 6 કલાકે ખુલ્યા હતા. કપાટ ખુલતાં જ સમગ્ર પરિસર જય બદરીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. બદરીનાથ કપાટ ખુલતાં જ અહીં 6 મહિનાથી પ્રજવલિત થઈ રહેલી જ્યોતના દર્શન માટે દેશ-વિદેશથી આશરે 10,000 શ્રદ્ધાળુઓ આવ્યા છે.
બદરીનાથના કપાટ ખુલવા પર સીએમ ધામીએ દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. બદરીનાથ મંદિરને 40 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. જૂની પરંપરા અનુસાર દર વર્ષે શિયાળામાં બદરીનાથના કપાટ છ મહિના માટે બંધ કરવામાં આવે છે. પરંતુ કપાટ બંધ કરતાં પહેલાં ભગવાન બદરીનાથ કંબલ ઓઢાડવામાં આવે છે અને આ રિવાજ વર્ષોથી નિભાવવામાં આવે છે. જો છ મહિના બાદ પણ ઘીનો લેપ જેમનો તેમ મળી આવે તો એને શુભ સંકેત માનવામાં આવે છે. જો ધૃત કંબલ સૂકાઈ જાય તો તેને અશુભ માનવામાં આવે છે અને તેને હિમાલય ક્ષેત્રમાં તેને દુકાળ અને મુસીબતનો સંકેત માનવામાં આવે છે.
બદરીનાથ ધામમાં ભગવાન વિષ્ણુની પૂજા શાલીગ્રામથી બનેલી ચતુર્ભુજ મૂર્તિના રૂપમાં થાય છે. ધાર્મિક માન્યતા પ્રમાણે. આ સ્થળ ભગવાન વિષ્ણુના નર-નારાયણ રૂપની તપોભૂમિ છે. અહીં એક કહેવત છે કે જે વ્યક્તિ બદરીનાથ ધામમાં પૂજા કરે છે તેમને પુનઃજન્મ લેવો પડતો નથી.
અખાત્રીજના અવસર પર ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. જે બાદ 2 મેના રોજ બાબા કેદારનાથ ધામના કપાટ ખુલ્યા હતા. આજે બદરીનાથ ધામના કપાટ ખુલતાં જ ચારધામ યાત્રાનો પૂર્ણ રૂપથી આરંભ થયો હતો.
આ પણ વાંચો….ચારધામ યાત્રાનો થયો પ્રારંભ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલતા ભક્તોમાં ભારે ઉત્સાહ…