
નવી દિલ્હી: હાલ ખેડૂતો ફરી દિલ્હી તરફ કુચ કરવાના પ્રયાસ (Farmers Delhi March) કરી રહ્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટે કેટલાય મહિનાઓથી બંધ પડેલી શંભુ બોર્ડર અને અન્ય હાઈવેને ખોલવા માટે કરાયેલી અરજીને ફગાવી (Supreme court about Shambhu border) દીધી હતી. સુપ્રીમ કોર્ટે અરજદારને સખત ઠપકો પણ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પ્રકારના કેસ પહેલાથી જ કોર્ટમાં ચાલી રહ્યા છે, તો પછી વારંવાર આવી અરજીઓ કેમ દાખલ કરવામાં આવી રહી છે. આ રીતે પિટિશન ફાઈલ કરવાથી એવું લાગે છે કે કોઈ અહીં માત્ર જાહેર દેખાડો કરવા અને પ્રસિદ્ધિ માટે કેસ કરવા આવ્યો છે.
આ કેસ પેહલાથી જ પેન્ડિંગ છે:
જસ્ટિસ સૂર્યકાન્ત અને મનમોહનની બેન્ચે કહ્યું કે આ મામલો કોર્ટ સમક્ષ પહેલેથી જ પેન્ડિંગ છે. બેન્ચે અરજદાર ગૌરવ લુથરાને કહ્યું કે અમે પહેલાથી જ મુદ્દાની સુનાવણી કરી રહ્યા છીએ. માત્ર તમે જ સમાજના વિવેકના રક્ષક નથી. વારંવાર પિટિશન ફાઇલ ન કરો. કેટલાક લોકો પબ્લિસિટી માટે તો કેટલાક લોકોને આકર્ષવા માટે પિટિશન ફાઇલ કરી રહ્યા છે.
કોર્ટે અરજદારની અરજી પર પણ વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચના કરી હતી અને તેને ખેડૂતો અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરવા કહ્યું હતું. જોકે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
આ પણ વાંચો …Delhi Assembly election: AAP એ 31 માંથી 20 બેઠકો પર ચહેરા બદલ્યા, સિસોદિયાની સીટ કેમ બદલાઈ?
અરજીમાં શું કહેવામાં આવ્યું હતું:
પંજાબના જલંધરના રહેવાસી ગૌરવ લુથરા દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં તેમણે કહ્યું હતું કે ખેડૂતોના આંદોલનને કારણે શંભુ બોર્ડર લાંબા સમયથી બંધ છે. હવે ખેડૂત સંગઠનોએ પંજાબના અન્ય હાઈવે પણ બંધ કરી દીધા છે. આ માત્ર ગેરકાયદેસર નથી પરંતુ અન્ય નાગરિકોના મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન છે. બંધારણ આવાગમનના અધિકારને પણ મૂળભૂત અધિકારનો દરજ્જો આપે છે. પંજાબના ઘણા લોકો પાસેથી આ મૂળભૂત અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. આમ કરવું નેશનલ હાઈવે એક્ટની પણ વિરુદ્ધ છે. જે ગુનાહિત પ્રવૃત્તિ હેઠળ આવે છે.