નેશનલ

મુસ્લિમ દેશોના સંગઠનને તણાવ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું! ભારતે આપ્યો કડક જવાબ

નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. દુનિયાભરના દેશો આ હુમલાને વખોડી કાઢ્યો છે. એવામાં ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) એ એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. સોમવારે ન્યૂયોર્કથી બહાર પાડેલા નિવેદનમાં, OIC એ વધતા તણાવ માટે ભારતને જવાબદાર ઠેરાવ્યું હતું. આજે ભારતે OICના નિવેદનને વખોડી કાઢ્યું હતું.

ભારતના વિદેશ મંત્રાલયે OICના નિવેદનને વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું. મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું કે પાકિસ્તાન આ સંગઠનનો ઉપયોગ ભારત વિરુદ્ધ જૂઠાણું ફેલાવવા માટે કરી રહ્યું છે.

‘પાકિસ્તાન OICને ગેરમાર્ગે દોરી રહ્યું છે’

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, “OICનું આ નિવેદન પાકિસ્તાનના ઉશ્કેરણી પર બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં આતંકવાદી હુમલાની સત્યતા કે તેના પાકિસ્તાન સાથેના જોડાણની વાસ્તવિકતાને ધ્યાનમાં લેવામાં આવી નથી. પાકિસ્તાન સતત સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે અને હવે OICને ગેરમાર્ગે દોરી રહ્યું છે.” મંત્રાલયે કહ્યું કે ભારત આવા પક્ષપાતી અને સ્વાર્થી નિવેદનોને સંપૂર્ણપણે નકારી કાઢે છે.

આ પણ વાંચો ‘ભારતનું પાણી હવે ફક્ત ભારતના ઉપયોગમાં લેવાશે’ વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ

OICએ ભારત પર લગાવ્યા આરોપ:

OIC એ નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષિણ એશિયામાં સુરક્ષા સ્થિતિ ચિંતાજનક છે અને ભારત દ્વારા પાકિસ્તાન સામે લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપોને કારણે તણાવ વધી રહ્યો છે. OIC એ એમ પણ કહ્યું કે ભારતના પગલાં આ ક્ષેત્રમાં પહેલાથી જ પ્રવર્તી રહેલી અસ્થિરતાને વધુ વધારી શકે છે.

OIC એ નિવેદનમાં એવું પણ કહ્યું “આતંકવાદના તમામ સ્વરૂપોની નિંદા કરી છીએ, ભલે તે કોઈપણ વ્યક્તિ દ્વારા અને ગમે ત્યાં કરવામાં આવે છે.”

OICએ કોઈપણ દેશ, જાતિ, ધર્મ, સંસ્કૃતિ અથવા રાષ્ટ્રીયતાને આતંકવાદ સાથે જોડવાના તમામ પ્રયાસોને નકારી કાઢ્યા હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button