લગ્નની તૈયારીઓ વચ્ચે આવ્યા જવાનના શહીદીના સમાચાર, પરિવારના માથે આભ તૂટી પડ્યું
જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આવેલા બફલિયાઝમાં રાઇફલમેન ગૌતમ કુમાર ફરજ પર શહીદ થતા પરિવારમાં ઘેરા શોકનો માહોલ છવાયો છે. 29 વર્ષીય ગૌતમ કુમારના પરિવારજનો તેમના લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા, એવામાં એકાએક આઘાતજનક સમાચાર આવતા પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું છે.
શહીદ ગૌતમકુમારના ભાઇ રાહુલ કુમારેએ જણાવ્યું હતું કે તેમની વર્ષ 2014માં સેનાના 89 આર્મ્ડ કોરમાં ભરતી થઇ હતી. છેલ્લા 2 વર્ષથી તેઓ જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં તૈનાત હતા. એક ડિસેમ્બરે જ તે 15 દિવસની રજા લઇને ઘરે આવ્યો હતો અને 16મી ડિસેમ્બરથી ડ્યૂટી પર ફરી જોડાઇ જવાનો હતો, તેના 2 મહિના પહેલા સપ્ટેમ્બરમાં તેની ઋષિકેશમાં સગાઇ થઇ હતી.
સમગ્ર પરિવાર સગાઇને લઇને ઉત્સાહિત હતો. પરંતુ બુધવારે રાત્રે 12-30 વાગ્યે અમને સેનાના અધિકારીઓનો ફોન આવ્યો અને તેમણે અમને ગૌતમના શહીદ થયાની જાણ કરી. અમે સમાચાર સાંભળીને સ્ત્બ્ધ થઇ ગયા હતા.
રાહુલ કુમારે જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલા તેમના પિતાનું નિધન થયું હતું. તેઓ શિક્ષણ વિભાગમાં હતા. વિધવા માતા એક ગૃહિણી છે. ગૌતમને કુલ ચાર ભાઇબહેનો હતા જેમાં તે સૌથી મોટો હતો. બંને બહેનોના લગ્ન થઇ ચુક્યા છે. રાહુલ કુમાર પણ શિક્ષણ વિભાગમાં જ કાર્યરત છે.
ગૌતમ કુમાર શહીદ થવાના સમાચાર તેના વતનમાં વાયુવેગે પ્રસરી ગયા હતા, આડોશ-પાડોશમાં રહેતા લોકો, તેના સગાવ્હાલાં, તેના ઘરે પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા હતા. ગૌતમ કુમારનું પાર્થિવ શરીર સેનાના વાહન દ્વારા તેના વતન કોટદ્વાર પહોંચ્યા બાદ સંપૂર્ણ સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.