નેશનલ

ગુજરાતમાં નવી મેડીકલ કોલેજ નહિ ખુલી શકે!

નેશનલ મેડિકલ કમિશન(એનએમસી)ના અંડર-ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ(યુજીએમએબી) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી મિનિમમ સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ(એમએસઆર) માર્ગદર્શિકામાં રાજ્ય દીઠ મેડિકલ કોલેજની બેઠકોનોની સંખ્યા નિર્ધારિત કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે, અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન માટે દર 10,000 વસ્તી દીઠ એક સીટની મર્યાદા નક્કી કરવાનો હંગામી નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિયમને કારણે ગુજરાતના વિદ્યાર્થીઓને ભારે ફટકો પડી શકે છે કારણ કે બોટાદ, ખંભાળિયા અને વેરાવળમાં પ્રસ્તાવિત ત્રણ મેડિકલ કોલેજોની યોજના આ નિયમને કારણે મુશ્કેલીમાં મુકાય એવી શક્યતા છે. મેડિકલના વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણનું વાતાવરણ પૂરું પાડવા અને શિક્ષણની સર્વાંગી ગુણવત્તામાં સુધારો કરવાના ઉદ્દેશ્યથી દરેક રાજ્યમાં અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ સીટોની સંખ્યા દર 10 લાખની વસ્તીએ 100 સીટો સુધી માર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જોગવાઈને તાજેતરમાં જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં સામેલ કરવામાં આવી છે.

અધિકારીના જણાવ્યા મુજબ આ નવા નિયમથી હેલ્થકેર પ્રોફેશનલ્સની ઉપલબ્ધતામાં પ્રાદેશિક અસમાનતા ઘટશે અને શિક્ષણની અસરકારક ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં ફાયદો થશે.

જો ગુજરાત રાજ્યની વસ્તી 7 કરોડ ગણીએ તો રાજ્યનો અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ સીટોનો ક્વોટા મહત્તમ સ્તરે પહોચી ચુક્યો છે, એટલે કે હવે ગુજરાતમાં નવી મેડીકલ કોલેજની મંજુરી મળી શકશે નહિ. ગુજરાતમાં છેલ્લાં વર્ષોમાં ચાર નવી મેડિકલ કોલેજોનો ઉમેરો કરવામાં આવ્યો છે, નવી કોલેજો શરુ થતા બેઠકોની સંખ્યામાં 600નો વધારો થયો છે. હવે નવો નિયમ લાગુ થશે તો વધુ મેડીકલ કોલેજો ઉમેરવાની હાલ પુરતી કોઈ શક્યતા નહિ રહે.

મેડીકલ શિક્ષણના નિષ્ણાતોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક અને રાજસ્થાન જેવા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં મેડિકલ સીટ ઘણી ઓછી છે. એટલે જ રાજય સરકારે દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ સ્થાપવાની યોજના બનાવી હતી.

નિષ્ણાતોના મત મુજબ નવા નિયમને પગલે તબીબી શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓએ અન્ય રાજ્યોમાં જવાની ફરજ પડી શકે છે. દાહોદ અને કચ્છ જેવા સ્થળોએ રાજ્ય સરકારે મેડિકલ કોલેજો અને હોસ્પિટલો સ્થાપવા માટે યોજના બનાવી છે. સૂચિત કોલેજોમાંથી ત્રણમાં કોઈ ટ્રસ્ટ હોસ્પિટલો ચલાવી શકે એ માટે સરકાર કુલ 11 અરજદારો સાથે પહેલેથી જ વાટાઘાટ કરી રહી છે. ત્યારે આ નવા નિયમને કારણે આ યોજના પૂર્ણ થવા પર પ્રશ્નચિહ્ન મૂકી શકે છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button