નેશનલ

સી.ડી.બરફીવાલા પુલને તોડી પાડ્યા વગર ગોખલે પુલ સાથે જોડવા માટે પાલિકા વીજેટીઆઈના શરણે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અંધેરીના ગોખલે પુલ અને સી.ડી. બરફીવાલા પુલ વચ્ચે રહી ગયેલા અંતરને કારણેે મુંબઈ મહાનગરપાલિકાના વિચિત્ર કારભારની ભારે ટીકા થઈ રહી છે. પાલિકાએ વીરમાતા જીજાબાઈ ટેક્નોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ (વીજેટીઆઈ) ને સાત માર્ચના પત્ર લખીને અસ્તિત્વમાં રહેલા સી.ડી.બરફીવાલા પુલને તોડ્યા વગર જ તેને અને ગોખલે પુલને જોડવામાં આવે એવી માગણી કરી હતી. પાલિકાના આ પત્ર બાદ વીજેટીઆઈનો અહેવાલ આગામી ત્રણથી ચાર દિવસમાં આવવાની શક્યતા છે.


ગયા અઠવાડિયે વીજેટીઆઈના નિષ્ણાતો બંને પુલના મર્જર (પુલ જોડવા)ની ડિઝાઈન માટે સી.ડી.બરફીવાલા માર્ગના મર્જિંગ પોઈન્ટ સાઈટની મુલાકાત લીધી હતી. એડિશનલ કમિશનર પી.વેલરાસુએ જણાવ્યું હતું કે પાલિકાએ વીજેટીઆઈને શક્ય એટલા ઝડપથી પુલને તોડયા વગર કેવી રીતે જોડી શકાય તેનો ઉકેલ લાવવા માટે કહ્યું છે. ત્રણથી ચાર દિવસમાં તેનો રિપોર્ટ આવે એવી શક્યતા છે.

પુન:બાંધકામ બાદ ૨૬ ફેબ્રુઆરીના ગોખલે પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારથી ગોખલે પુલ અને સી.ડી.બરફીવાલા પુલ વચ્ચે રહી ગયેલા મોટા ગૅપને લઈને પ્રશાસનની ભારે ટીકા થઈ રહી છે.

સી.ડી.બરફીવાલા જંકશન પર નાગરિકોને થઈ રહેલી અગવડતાને ધ્યાનમાં રાખીને પાલિકા કમિશનરે બ્રિજ વિભાગને સૂચના આપી છે કે તેઓ વીજેટીઆઈને ઝડપથી સમય બચાવતી મેથડોલોજી ઍન્ડ ટૅક્નોલોજી અને એનડી પરીક્ષણનો ઉપયોગ કરીને અને હાલના સી.ડી.બરફીવાલા પુલના સ્ટ્રક્ચરને તોડયા વગર બંને પુલને કેવી રીતે જોડી શકાય તેના પર કામ કરે.

સી.ડી.બરફીવાલા પુલનું બાંધકામ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન દ્વારા ૨૦૦૮માં બાંધવામાં આવ્યો હતો. જે જુહુથી નીકળીને જૂના ગોખલે પુલને ઉત્તર-દક્ષિણ દિશામાં જોડતો હતો, જે ૧૯૬૦થી અસ્તિત્વમાં છે.

ગોખલે રોડ ઓવર બ્રિજ અંધેરી પશ્ચિમને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બિસ્લેરી જંકશનથી સી.ડી.બરફીવાલા રોડ જંકશન અને એસ.વી.રોડ જંકશનને જોડે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button