મમતા સરકારે કોલકાતા હાઈ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, જાણો શું સમગ્ર મામલો
પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતા હાઈ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, કોલકાતા હાઈ કોર્ટે સંદેશખાલીમાં સીબીઆઈ તપાસનો નિર્દેશ આપ્યો હતો. આ અરજી પર સોમવારે સુનાવણી થશે. CBI સંદેશખાલીમાં મહિલાઓ સામેના ગુનાઓ અને જમીન હડપ કરવાના આરોપોની તપાસ કરી રહી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ આ મામલે સુનાવણી કરી શકે છે.
સુપ્રીમ કોર્ટેમાં દાખલ કેરેલી તેની અરજીમાં, પશ્ચિમ બંગાળ સરકારે જણાવ્યું હતું કે 10 એપ્રિલ, 2024 ના રોજ કલકત્તા હાઇકોર્ટના આદેશે રાજ્યના પોલીસ દળ સહિત રાજ્યના સમગ્ર વહીવટી તંત્રના મનોબળને હતોત્સાહિત કરી દીધું છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “હાઇકોર્ટે એક ખૂબ જ સામાન્ય આદેશમાં રાજ્યને કોઈ જાણ કર્યા વગર જ સીબીઆઈને જરૂરી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો જે સંદેશખાલીમાં કોઈપણ નોંધનીય ગુનાની તપાસ કરવા માટે રાજ્ય પોલીસની સત્તાનો દુરુપયોગ કરવા સમાન છે.
આ પણ વાંચો: મમતા દીદીએ બંગાળને શું બનાવી દીધું ? રવીન્દ્ર સંગીતની બદલે મળી રહ્યા છે બોમ્બ અને પિસ્તોલ : જે. પી. નડ્ડા
સંદેશખાલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ પર હુમલાના કેસની સીબીઆઈ પહેલાથી જ તપાસ કરી રહી છે. 5 જાન્યુઆરીની ઘટનાઓ સંબંધિત ત્રણ FIR નોંધવામાં આવી છે. હાઈકોર્ટ પોતે સીબીઆઈની તપાસ પર નજર રાખી રહી છે. આ સાથે જ તપાસ એજન્સીને એક વ્યાપક રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
હાઈ કોર્ટની બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે આ કેસની ફરીથી સુનાવણી 2 મેના રોજ થશે. સીબીઆઈને તે જ દિવસે રિપોર્ટ દાખલ કરવાનું કહેવામાં આવ્યું હતું. ઈડીની ટીમ પર 5 જાન્યુઆરીએ ટોળાએ હુમલો કર્યો હતો. તેઓ રાશન કૌભાંડના આરોપી ટીએમસી નેતા શાહજહાં શેખને શોધવા સંદેશખાલી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે શાહજહાં શેખ ટીએમસીના શક્તિશાળી અને પ્રભાવશાળી નેતા તરીકે મનાય છે. તેઓ સંદેશખાલી યુનિટના ટીએમસી પ્રમુખ પણ રહી ચૂક્યા છે. શાહજહાં શેખ પહેલીવાર ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે બંગાળ રાશન વિતરણ કૌભાંડ કેસમાં EDની ટીમ તેમની પૂછપરછ કરવા આવી ત્યારે તેના સાગરિતોએ ED ટીમ પર હુમલો કર્યો, આ પછી EDએ તેમને સતત સમન્સ જારી કર્યા હતા.
ED ટીમ પર હુમલા બાદ સંદેશખાલી ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે ત્યાંની મહિલાઓએ શાહજહાં શેખ પર જમીન હડપી લેવાનો અને તેના સાગરિતો પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ડાબેરી અને ભાજપે આ મામલે મમતા સરકાર સામે જોરદાર વિરોધ કર્યો હતો.
સંદેશખાલીમાં કલમ 144 લાગુ કરીને વિપક્ષી નેતાઓને ત્યાં જતા અટકાવવામાં આવ્યા હતા, જોકે ભાજપના નેતાઓએ આ મુદ્દો બંગાળથી લઈને દિલ્હી સુધી ઉઠાવ્યો હતો, આ પછી આ મામલે રાજકારણ ગરમાયું છે.