'ધ કેરલા સ્ટોરી': રિલીઝ સમયે પણ વિવાદ, હવે નેશનલ એવોર્ડ મળતા જ ખુદ CM થયા નારાજ! | મુંબઈ સમાચાર

‘ધ કેરલા સ્ટોરી’: રિલીઝ સમયે પણ વિવાદ, હવે નેશનલ એવોર્ડ મળતા જ ખુદ CM થયા નારાજ!

શુક્રવારે ૧ ઓગષ્ટના રોજ 71 નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતના એવોર્ડમાં નોંધવા જેવી વાત હતી કે શાહરૂખ ખાનને તેની કારકિર્દીમાં પહેલીવાર આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. પરંતુ શ્રેષ્ઠ દિગ્દર્શન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતનારી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ શરૂઆતથી વિવાદમાં ઘેરાયેલી રહી હતી, પરંતુ હવે એવોર્ડ મળ્યા બાદ પણ વિવાદનો અંત થવાનું નામ નથી લઇ રહ્યો.

‘ધ કેરલા સ્ટોરી’ શરૂઆતથી જ વિવાદોમાં

શ્રેષ્ઠ દિગ્દર્શન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતનારી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી, પરંતુ કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો. જોકે, હવે આ ફિલ્મે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે ત્યારે કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયન નારાજ થઈ ગયા છે. મુખ્ય પ્રધાન વિજયને આ અંગે એક પોસ્ટ પણ કરી છે, જેમાં તેમણે ફિલ્મને એવોર્ડ આપવા બદલ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

કેરળના મુખ્ય પ્રધાને વાંધો વ્યક્ત કર્યો

કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને ‘ધ કેરલા સ્ટોરી’ને 71માં નેશનલ એવોર્ડથી નવાજવાની જાહેરાત સામે વાંધો વ્યક્ત કર્યો છે. પિનારાઈ વિજયને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “કેરળની છબી ખરાબ કરવા અને સાંપ્રદાયિક નફરતના બીજ વાવવાના સ્પષ્ટ ઇરાદાથી, ભયંકર ખોટી માહિતી ફેલાવતી એક ફિલ્મને સન્માનિત કરીને, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના નિર્ણાયક મંડળે સંઘ પરિવારની વિભાજનકારી વિચારધારામાં રહેલા એક કથાનકને કાયદેસરતા પ્રદાન કરી છે.”

તેમણે આગળ લખ્યું કે કેરળ, તે ભૂમિ જે હંમેશા સાંપ્રદાયિક તાકાતો વિરુદ્ધ સદ્ભાવ અને પ્રતિકારનું પ્રતીક રહી છે, આ નિર્ણયથી ઘોર અપમાનિત થઈ છે. ફક્ત મલયાલી જ નહીં, પરંતુ લોકશાહીમાં વિશ્વાસ રાખનારા તમામ લોકોએ સત્ય અને આપણા પ્રિય બંધારણીય મૂલ્યોની રક્ષા માટે પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button