
મુંબઈ: દિલ્હી સ્થિત કંપની રિસોર્સફુલ ઓટોમોબાઈલનો શેર આજે મુંબઈ સ્ટોક એકસચેન્જ(BSE)પર લિસ્ટ થયો છે. કંપનીના શેરનું મ્યૂટ લિસ્ટિંગ થયું. આ આઇપીઓ(IPO)તેની રૂપિયા 177ની પ્રાઇસ બેન્ડ સામે રૂપિયા 117 પર લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ પછી શેર લગભગ 4.9 ટકા તૂટયો અને રૂપિયા 111 ના ઇન્ટ્રાડે લોએ પહોંચ્યો હતો. જો કે, પાછળથી તે 5 ટકાની ઉપલી સર્કિટ સાથે રૂપિયા 122.85 ની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો.રિસોર્સફુલ ઓટોમોબાઈલનો આઈપીઓ 22 ઓગસ્ટે ખુલ્યો હતો અને 26 ઓગસ્ટે બંધ થયો હતો. આ SME IPOનું કદ 12 કરોડ રૂપિયા હતું અને તે લગભગ 500 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
કંપનીનો વર્તમાન બિઝનેસ
વર્ષ 2018માં સ્થપાયેલી આ કંપની સાહની ઓટોમોબાઈલ બ્રાન્ડ નામ હેઠળ કામ કરે છે. તે યામાહા ટુ-વ્હીલર સાથે સંબંધિત છે. તે ટુ-વ્હીલરના વેચાણ અને સર્વિસનું કામ કરે છે. ગયા વર્ષે 28 ડિસેમ્બર સુધીમાં કંપની પાસે બે શોરૂમ અને કુલ આઠ કર્મચારીઓ હતા. કંપની ઇશ્યૂમાંથી મળેલ નાણાંનો ઉપયોગ દિલ્હીમાં નવા શોરૂમ ખોલવા, દેવું ચૂકવવા, કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે. કંપનીના શેરને BSEના SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. રિસોર્સફુલ ઓટોમોબાઈલ આઈપીઓમાં 10.25 લાખ ઈક્વિટી શેર સામેલ હતા. તેમની કિંમત 117 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી હતી.
રોકાણકારોએ સારો પ્રતિસાદ આપ્યો
આ IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. કંપનીએ 9.76 લાખ શેર વેચાણ માટે મૂક્યા હતા જ્યારે 40.76 કરોડ શેર માટે બિડ આવી હતી. એટલે કે ત્રણ દિવસમાં તે 419 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. SME IPO પ્રથમ દિવસે 10.35 ગણો સબસ્ક્રાઇબ થયો હતો જ્યારે બીજા દિવસે 74.13 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. આમ બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણીમાં સબ્સ્ક્રિપ્શન 315.61 ગણું પ્રાપ્ત થયું હતું જ્યારે છૂટક રોકાણકારોની શ્રેણીમાં સબસ્ક્રિપ્શન 496.22 ગણું હતું.
સેબીએ રોકાણકારોને એલર્ટ કર્યા
સેબીના સભ્ય અશ્વિની ભાટિયાએ શુક્રવારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને SME એક્સચેન્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓનું ઓડિટ કરતી વખતે વધુ સાવધ રહેવા જણાવ્યું છે. સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે માર્ચમાં SME પ્લેટફોર્મ પર લિસ્ટિંગ અને ટ્રેડિંગમાં ‘પ્રાઈસ મેનીપ્યુલેશન’ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને રોકાણકારોને સાવચેત રહેવા જણાવ્યું હતું.
Also Read –