સામ્યવાદી ચીનાઓની પરોણાગત, ભાજપ કરે એ લીલા…

એકસ્ટ્રા અફેરઃ ભરત ભારદ્વાજ
કૉંગ્રેસ અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) વચ્ચે સાંઠગાંઠ હોવાનો મુદ્દો ભાજપ લાંબા સમયથી ચલાવે છે. ચીન ભારતના સૈનિકોના જીવ લે છે, ભારતની જમીન પચાવીને બેસી ગયું છે ત્યારે ચીનના શાસક પક્ષ સાથે ભારતનો કોઈ રાજકીય પક્ષ કોઇ પણ પ્રકારના સંબંધો કઈ રીતે રાખી શકે એવા સવાલ પણ ભાજપના નેતા સમયાંતરે કર્યા કરે છે.
કૉંગ્રેસ અને ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) વચ્ચે 2008માં થયેલા કહેવાતા મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ)ને મુદ્દે ભાજપે લગભગ અઢી વર્ષ પહેલાં ભારે હોબાળો મચાવી દીધેલો. ભાજપે કૉંગ્રેસ અને સીસીપી વચ્ચેના આ કહેવાતા ખાનગી કરારની વિગતો જાહેર કરવી જોઈએ એવી માગ કરીને આક્ષેપ કરેલો કે, રાહુલ ગાંધી આ કરાર દ્વારા ચીનના જાસૂસ બની ગયા હોય એ રીતે વર્તી રહ્યા છે. કૉંગ્રેસના રાહુલ ગાંધી અને બીજા વિપક્ષી નેતા 2018માં ચીનના બેઇજિંગ ગયા ત્યારે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે ગુપ્ત સમજૂતી કરાર કર્યા હોવાનો આક્ષેપ પણ ભાજપ કરી ચૂક્યો છે.
ભાજપે એવો આક્ષેપ પણ કરેલો કે,2017માં ભારત અને ચીન વચ્ચે ડોકલામમાં જંગ ચાલુ હતો ત્યારે રાહુલ ગાંધી દિલ્હીમાં ખાનગીમાં ચીની દૂતાવાસમાં ચીની અધિકારીઓને મળ્યા હતા. આ કહેવાતી ખાનગી મુલાકાતમાં રાહુલ ગાંધી અને ચીનના અધિકારીઓ વચ્ચે શું રંધાયું તેની વિગતો જાહેર કરવાની માગણી સાથે ભાજપે ભારે દેકારો કરેલો. કૉંગ્રેસે રાહુલ ચીનના અધિકારીઓને મળ્યા હોવાની વાતને જૂઠાણું ગણાવેલું પણ ભાજપે આ વાતનો છાલ નહોતો છોડ્યો. ભાજપના નેતા છેક હમણાં લગી રાહુલ ચીનના એજન્ટ છે ને ચીનની સત્તાધારી ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) સાથે સંબંધો રાખીને દેશદ્રોહ કરી રહ્યા છે એવી રેકર્ડ વગાડતા રહ્યા છે.
હવે એ જ ભાજપના નેતા ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના પ્રતિનિધિમંડળને દિલ્હીમાં પોતાના હેડક્વાર્ટરમાં નોંતરીને પરોણાગત કરી અને તેમની સાથે હોંશે હોંશે ફોટા પડાવીને સોશ્યલ મીડિયા પર પણ મૂક્યા. ભાજપના મુખ્યાલયમાં ભાજપ અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) ના ડેલિગેશનની બેઠક યોજાઈ તેના જે ફોટા મુકાયા તેમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટમાં વાઇસ મિનિસ્ટર સુન હેયાન સહિત છ લોકો હાજર હતાં
જ્યારે ભાજપ વતી રાષ્ટ્રીય મહામંત્રી અણ સિંહે અને ભાજપના વિદેશી બાબતોના વિભાગના પ્રભારી વિજય ચૌથાઈવાલા સહિત 4 લોકો હાજર હતા. ચૌથાઈવાલાએ આ બેઠક પછી એક્સ પરની પોસ્ટમાં લખ્યું છે કે, બંને પક્ષો વચ્ચે ઇન્ટર-પાર્ટી કોમ્યુનિકેશન વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચીનનું પ્રતિનિધિમંડળ બીજા દિવસે ભાજપના પિતૃ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓને પણ મળ્યું ને સંઘે પણ આ બેઠકને કર્ટસી બેઠક ગણાવી છે.
યોગાનુયોગ ભાજપના નેતા તેમના હેડ ક્વાર્ટરમાં ચીનના સામ્યવાદી પાર્ટીના નેતાઓની પરોણાગત કરી રહ્યા હતા ત્યારે જ ચીનના વિદેશ મંત્રાલયે એક વીડિયો મૂકીને લડાખના શક્સગામ ખીણને ચીનનો વિસ્તાર ગણાવ્યો છે. પાકિસ્તાને 1948માં શક્સગામ ઘાટી પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો અને 1963માં આ વિસ્તાર ચીનને સોંપી દીધો હતો. ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (સીપેક) દ્વારા ચીન છેક પાકિસ્તાન સુધી રોડ બનાવી રહ્યું છે અને આ રોડ પણ શક્સગામ ખીણ વિસ્તારમાંથી પસાર થાય છે. આ સિવાય ચીને બંકરો બનાવવા સહિતનાં બીજાં બાંધકામ પણ કર્યાં છે અને લશ્કરી છાવણીઓ પણ બનાવી છે.
ભારત વરસોથી આ વિસ્તાર પાછો મેળવવા મથે છે ને ભારતના નકશામાં પણ આ વિસ્તારને ભારતનો પ્રદેશ જ ગણવાયા છે. એ સાચું પણ છે કેમ કે કાશ્મીરનો આખો પ્રદેશ ભારતનો જ છે. ચીને શક્સગામ ખીણ વિસ્તારમાં મોટા પાયે બાંધકામ બાંધ્યાં તેનો વિરોધ કરીને ભારતે સત્તાવાર રીતે 9 જાન્યુઆરીએ સત્તાવાર નિવેદન બહાર પાડેલું. ભારતે શક્સઘાટી ખીણ વિસ્તારમાં ચીનના બાંધકામને ગેરકાયદેસર ગણાવીને કહેલું કે, ચીન આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કબજો કરીને બેસી ગયું છે એ ભારત નહીં ચલાવી લે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે વીડિયોમાં ભારતની વાતને બકવાસ ગણાવીને કહ્યું છે કે ભારત જે વિસ્તાર અંગે સવાલ કરી રહ્યું છે એ ચીનનો જ ભાગ છે અને પોતાના વિસ્તારમાં બાંધકામ કરવામાં કશું ખોટું નથી. પોતાના વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું ચીનનો અધિકાર છે અને તેની સામે કોઈ સવાલ કરી શકે નહીં.
ભાજપના નેતાઓની ચીનની સામ્યવાદી પાર્ટીના નેતાઓ સાથેની બેઠક પછી કૉંગ્રેસે ભાજપ-ચીન વચ્ચે ગુપ્ત કરાર થયો હોવાનો આક્ષેપ કરીને સવાલ કર્યો છે કે, ભાજપે દેશદ્રોહ કેમ કર્યો? કૉંગ્રેસ વિપક્ષમાં છે તેથી એ આ મુદ્દાનો રાજકીય લાભ ગણાવવા માટે વાતને ટ્વિસ્ટ કરી રહી હોય એ શક્ય છે. કૉંગ્રેસ કહે છે એ રીતે ભાજપના ચીનના સામ્યવાદી પાર્ટી સાથે કોઈ ગુપ્ત કરાર ના થયો હોય છતાં ભાજપની હરકત શરમજનક છે.
ચીને આપણા વિસ્તારને પોતાનો વિસ્તાર ગણાવ્યો છે ને આપણી સરકાર જૂઠું બોલતી હોવાનું કહે છે. એ દેશના શાસક પક્ષને તમે કઈ રીતે નોંતરી શકો? બીજું કંઈ ના વિચારો તો એટલું તો વિચારો કે, ચીના તમારી જ સરકારને ખોટી ગણાવી રહ્યા છે ને તમે તેમની આગતાસ્વાગતા કરો છો? તમારામાં વ્યક્તિગત રીતે સ્વાભિમાન જેવું ના હોય તો કંઈ નહીં પણ દેશના સ્વાભિમાનનો તો વિચાર કરો? પોતાની પાર્ટીના ગૌરવનો તો વિચાર કરો?
ભાજપે ઇન્ટર-પાર્ટી કોમ્યુનિકેશન વધારવા અંગે ચર્ચા કરવા માટે ચીનાઓને નોંતર્યા હોવાનો દાવો કર્યો છે પણ આ દાવો અત્યંત હાસ્યાસ્પદ છે. સામ્યવાદી પાર્ટીની વિચારધારા અને ભાજપની વિચારધારા વચ્ચે કોઈ મેળ જ નથી. ભાજપવાળા ધર્મનું પિપુડું વગાડ્યા કરે છે ને ભગવાનોના નામે રાજકારણ રમે છે જ્યારે સામ્યવાદીઓ તો ભગવાનના અસ્તિત્વને જ સ્વીકારતા નથી. કૉંગ્રેસના નેતા ભગવાન રામના અસ્તિત્વને નથી સ્વીકારતા એ મુદ્દે ભાજપ કૉંગ્રેસને હિંદુ વિરોધી ગણાવે છે જ્યારે સામ્યવાદીઓ તો કોઈ પણ ભગવાનને સ્વીકારતા નથી. તો આવા હળાહળ હિંદુ વિરોધી સાથે છાનગપતિયાં શું કરવા ચાલી રહ્યાં છે?
સામ્યવાદી ચીનાઓની પરોણાગત ભાજપનાં બેવડાં ધોરણોનો વધુ એક નાદાર નમૂનો છે. કૉંગ્રેસના નેતા સામ્યવાદી ચીનાઓને મળે તો દેશદ્રોહી કહેવાય ને ભાજપવાળા સામ્યવાદી ચીનાઓને મળે તો ઇન્ટર-પાર્ટી કોમ્યુનિકેશન ગણાય તેને શું કહેવું? અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળું.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ ઈરાનમાં બે આખલાની લડાઈમાં પ્રજાનો ખો…



