હાઈ કોર્ટે યેદિયુરપ્પાની પોક્સો કેસમાં ધરપકડ પર રોક લગાવી
બેંગલુરુ: કર્ણાટક હાઈ કોર્ટે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પાની સામે નોંધાયેલા પોક્સો કેસમાં ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)ને તેમની અટકાયત કરવા પર શુક્રવારે રોક લગાવી હતી.
તેમણે ભાજપના જ્યેષ્ઠ નેતાને આ કેસની તપાસ કરી રહેલી સીઆઈડી સમક્ષ 17 જૂને હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.
બેંગલુરુની એક કોર્ટે ચાલુ વર્ષની 14 માર્ચે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) કાયદા હેઠળ યેદિયુરપ્પા વિરુદ્ધ નોંધવામાં આવેલા ગુના બદલ બિન-જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું હતું.
સીઆઈડીની સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમે ફર્સ્ટ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં વોરંટ બહાર પાડવા માટે અરજી કરી હતી કેમ કે તેઓ બુધવારે પુછપરછ માટે હાજર રહ્યા નહોતા. બીજી તરફ યેદિયુરપ્પાએ સીઆઈડીની તપાસમાં હાજરી આપવા માટે સમય માગ્યો છે.
આ પણ વાંચો: Karnatakના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયૂરપ્પાને કોર્ટે આપ્યા જામીન; 17 મીએ CID સમક્ષ હાજર થવા આદેશ
મળી રહેલા અહેવાલો મુજબ યેદિયુરપ્પા દિલ્હીમાં ગુપ્ત સ્થળે આશ્રય લઈ રહ્યા છે.
પોલીસે આપેલી માહિતી મુજબ યેદિયુરપ્પા સામે 17 વર્ષની છોકરીની માતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે પોક્સો એક્ટ અને ભારતીય દંડ સંહિતાની કલમ 354-એ (જાતીય સતામણી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બીજી ફેબ્રુઆરીએ યેદિયુરપ્પાના ડોલર્સ કોલોની ખાતેના નિવાસસ્થાને સગીરાનું જાતીય શોષણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.
યેદિયુરપ્પાએ બધા આરોપો નકારી કાઢ્યા છે અને કાનૂની લડાઈ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તેમણે હાઈ કોર્ટમાં બે અલગ અલગ પિટિશન કરી છે, જેમાં એકમાં આગોતરા જામીન માગવામાં આવ્યા છે, જ્યારે બીજામાં તેમની સામેના એફઆઈઆરને રદ કરવાની માગણી કરવામાં આવી છે.
હાઈ કોર્ટે સુનાવણી બે અઠવાડિયા માટે મોકૂફ રાખી હતી અને નોંધ્યું હતું કે 81 વર્ષના યેદિયુરપ્પા તેમની જિંદગીના સૂર્યાસ્ત તરફ હોવાથી તેમની ધરપકડ કરવી યોગ્ય નથી. (પીટીઆઈ)