તાલ, હેરાફેરી, હમરાઝ જેવી બોલીવુડની ફિલ્મોમાં ભૂમિકા ભજવનાર તેમજ ગુજરાતી રંગમંચના અનેક નાટકોમાં અભિનયના ઓજસ પાથરનાર ગુજરાતી અભિનેત્રી ભૈરવી વૈદ્યનું આજે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. છેલ્લા 45 વર્ષથી અભિનયક્ષેત્ર સાથે સંકળાયેલા ભૈરવી વૈદ્યએ અનેક નાટકો, ટીવી સિરિયલો તથા ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા તેમના સાથી કલાકારોએ તેમને યાદ કરતા જણાવ્યું હતું કે ભૈરવી વૈદ્ય સ્વભાવે મૃદુ હતા અને તેઓ પાત્ર પણ એવું જ ભજવતા. ગુજરાતી ફિલ્મ ‘વેન્ટીલેટર’માં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તેમની નાટ્યયાત્રાની શરૂઆત વિશે એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે “મારા પિતા મિત્ર નાટક કંપની ચલાવતા હતા અને તેમના નાટકમાં એક કલાકારની જગ્યા ખાલી પડતા મારા પિતા પાસે મને નાટકમાં લેવાની અનુમતિ માંગી હતી, અને ત્યારથી સ્ટેજ પર પહેલીવાર પગ મુક્યો હતો.”
જો કે નાટકો કરતી વખતે શરૂઆતમાં તેમને આકરા અનુભવો પણ થયા હતા, એ વાતોને વાગોળતા ભૈરવી વૈદ્યએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે “શરૂઆતમાં હું સંવાદો ખૂબ ઝડપથી બોલતી, એકવાર ઓડિયન્સમાંથી કોઇએ બૂમ પાડીને કહ્યું કે એ ફ્રન્ટિયર મેલ.. ધીમુ બોલ, લોકલ દોડાવો.. લોકલ. આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. એ સીન બાદ ગ્રીન રૂમમાં જઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.”
ગુજરાતી રંગભૂમિના અનેક કલાકારોએ તેમની સાથે કામ કરતી વખતના સંસ્મરણો વાગોળીને તેમને અંજલિ પાઠવી છે. તેઓ હંમેશા કલાકારો પ્રત્યે પ્રેમાળ વર્તન દાખવતા હતા અને પરિવારના સભ્યની જેમ રહેતા હતા તેમ આ કલાકારોએ જણાવ્યું હતું.
આવા ઉમદા અભિનેત્રી ભૈરવી વૈદ્યના નિધનથી ગુજરાતી અભિનયક્ષેત્રને કદી ન પુરાય તેવી એક ખોટ પડી છે. તેમની અંતિમવિધિ પરિવારજનો દ્વારા ઓશિવારા સ્મશાનગૃહ ખાતે સંપન્ન થઇ હતી.