નેશનલવેપાર

સરકારે વધી રહેલા ભાવને અંકુશમાં રાખવા ઘઉંની સ્ટોક લિમિટ ઘટાડી

મુંબઈ: ઘરઆંગણે ઘઉંના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી સરકારે ઘઉંના ટ્રેડરો, હોલસેલરો, મિલરો તથા લાગતાવળગતા અન્યો માટે સ્ટોક મર્યાદામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. ઘરઆંગણે પૂરવઠો વધારી ભાવને નીચે લાવવાના પ્રયાસરૂપ સ્ટોક મર્યાદા ઘટાડાઈ હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ઘઉંના ટ્રેડરો તથા હોલસેલરો માટે સ્ટોક લિમિટ જે અગાઉ ૨૦૦૦ ટન હતી તે ઘટાડી ૧૦૦૦ ટન કરાઈ છે. રિટેલરો માટે તેમના દરેક રિટેલ આઉટલેટ માટે મર્યાદા જે ૧૦ ટન હતી તે ઘટાડી પાંચ ટન કરાઈ છે.

મોટા ચેઈન રિટેલરો માટેની મર્યાદા ૧૦ ટનથી ઘટાડી દરેક આઉટલેટ માટે પાંચ ટન કરાઈ હોવાનું સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું. પ્રોસસરો માટે સ્ટોક લિમિટ તેમની મન્થલી સ્થાપિત ક્ષમતાના ૬૦ ટકા ગુણ્યા નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના બાકી રહેલા મહિના જેટલી રખાઈ છે.

નવી સ્ટોક લિમિટ ૩૧મી માર્ચ ૨૦૨૫ સુધી અમલી રહેશે. ગઈવેળાની રવી મોસમમાં દેશમાં ઘઉં ઉત્પાદનનો આંક ૧૧.૩૨ કરોડ ટન રહ્યો હતો. દેશમાં ઘઉંનો પૂરતા પ્રમાણમાં સ્ટોક હોવાનો સરકાર વતિ દાવો કરાયો છે.
સરકારે વર્તમાન વર્ષના ૨૪મી જૂનના ઘઉં પર સ્ટોક લિમિટ લાગુ કરી હતી અને ત્યારબાદ ૯મી સપ્ટેમ્બરે તેમાં ફેરફાર કર્યા હતા. આમછતાં ઘઉંના ભાવ પ્રમાણમાં ઊંચા રહેતા સરકારે સ્ટોક લિમિટને વધુ સખત બનાવવાનો નિર્ણય કર્યો હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.

ઘઉંનો સ્ટોક જાળવતા દરેક સંબંધિતોએ પોતાના સ્ટોકની સ્થિતિ દર શુક્રવારે પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે. જેને સ્ટોક મર્યાદા લાગુ કરાઈ છે તેમણે તેમની પાસેનો સ્ટોક આજથી પંદર દિવસની અંદર સરકારે જાહેર કરેલી મર્યાદાના સ્તરે લાવી દેવાનો રહેશે એમ પણ નિવેદનમાં જણાવાયું છે. ઘઉંના રિટેલ ભાવ હાલમાં પ્રતિ કિલો દીઠ મધ્યમ કવોલિટીના ૪૦થી ૪૫ તથા કાઠીયાવાડના સારા માલના ભાવ પ્રતિ કિલો રૂપિયા ૫૨થી ૫૫ બોલાઈ રહ્યા છે. રાજસ્થાન તથા એમપીના માલના ભાવ કિલો દીઠ રૂપિયા ૪૨ થી ૪૬ બોલાઈ રહ્યા છે.

Also Read – Business update: આ બે કારણોને લીધે ઓટો ઇન્ડસ્ટ્રી મુશ્કેલીમાં

અત્રે ઉલ્લેખનિય છે કે ખુલ્લા બજારમાં ઘઉંના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી ઓપન માર્કેટ સેલ્સ સ્કીમ હેઠળ સરકારે હાથ ધરેલા પ્રથમ ઓકશનમાં એક લાખ ટન ઘઉં છૂટા કરવાના સરકારના નિર્ણયને સારો પ્રતિસાદ મળ્યો હતો. સાપ્તાહિક ઓકશનના પ્રથમ જ રાઉન્ડમાં ૧૫૦૦ જેટલા પ્રોસેસરોએ ૯૮૭૦૦ ટન ઘઉં મેળવવા બિડ ભરી હોવાનું ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ)ના સુત્રોએ અગાઉ જણાવ્યું હતું. આ ઘઉં ટેકાના ભાવે ઓફર કરાયા હતા. હવામાનની અનિશ્ચિતતાને કારણે વર્તમાન રવી મોસમમાં ઘઉંના ઉત્પાદન બાબત સરકાર ચિંતીત હોવાનું પણ બજારના સુત્રોએ ઉમેર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button