ભારત સરકારે આ પેઇનકિલરને ગણાવી જોખમી, ક્યાંક તમે તો લઇ નથી રહ્યા ને?
પીરીઅડ્સ ક્રેમ્પ માટે જો આ દવા વાપરતા હોવ, તો આ સમાચાર તમારે વાંચવા જરૂરી છે.
નવી દિલ્હી: ‘મેફ્ટાલ’ નામની એક ઘરેઘરે વપરાતી પેઇનકિલર સામે સરકારે એક ગંભીર ચેતવણી જાહેર કરી છે. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની હેઠળ આવતા ઇન્ડિયન ફાર્માકૉપિયા કમિશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ‘મેફ્ટાલ-સ્પાસ’ નામની દવાથી અત્યંત જોખમી ચામડીનો રોગ DRESS SYNDROME થઇ શકે છે, તેમજ આંતરિક અવયવોને પણ નુકસાન પહોંચી શકે છે.
મેફ્ટાલમાં ‘મેફેનેમિક એસિડ’ નામનું ડ્રગ હોય છે. મેફનેમિક એસિડ એ ‘નોન-સ્ટેરોઇડલ ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી’ ડ્રગ છે જેનો ઉપયોગ પીરીઅડ્સ તથા અન્ય સામાન્ય કે સામાન્યથી વધુ પ્રમાણમાં થતા દુખાવાના ઇલાજ માટે થાય છે. સામાન્ય રીતે ડૉક્ટરોના પ્રિસ્ક્રિપ્શન વગર આ દવા દર્દીને આપવી ન જોઈએ તેવો નિયમ છે. દુખાવા ઉપરાંત આ દવા બાળકોને તાવ આવે ત્યારે પણ આપવામાં આવે છે. કેટલીક મેડીકલ વેબસાઇટ્સમાં આ દવાથી સામાન્ય આડઅસરો જેવી કે, ચક્કર આવવા, મોઢું સૂકાઈ જવું, ઊંઘ આવવી, ઊબકાં આવવાં, નબળાઈ વગેરેનો ઉલ્લેખ છે પરંતુ હવે ભારત સરકારે પણ આ દવાના ઉપયોગ સામે લાલબત્તી ધરી છે.
ફાર્માકૉપિયા કમિશને ડ્રગ સેફ્ટી એલર્ટ જાહેર કર્યું છે જેમાં કહેવાયું છે કે મેફ્ટાલ દવામાં રહેલા ‘મેફેનેમિક એસિડ’થી ડ્રૅસ સિન્ડ્રોમ એટલે કે ડ્રગ રેશ વિથ ઑસિનોફિલિયા ઍન્ડ સિસ્ટેમિક સિમ્ટમ્સ સિન્ડ્રોમ’ થઇ શકે છે, એ ગંભીર ઍલર્જિક રીએક્શન છે જે ક્યારેક જીવલેણ પણ નીવડી શકે છે.
તાવ આવવો, ચામડી પર ચકામાં પડવાં, આખા શરીરમાં ચાઠા પડી જવા, લિમ્ફાડેનોપથી (લસિકાઓમાં ગાંઠો થવી), હૅમેટોલોજિકલ એબનોર્મલિટીઝ (લોહી સંબંધિત બીમારીઓ) જેવાં લક્ષણો એ ડ્રેસ સિન્ડ્રોમના સંકેતો છે. સામાન્ય રીતે દવા લેવાના બેથી આઠ અઠવાડિયાંમાં આવું બની શકે છે. જેથી કરીને દવા લીધા પછી કોઈ ગંભીર ઍલર્જિક રીએક્શન ન થાય તેના માટે ધ્યાન રાખવું જરૂરી છે.
આના ઉપચારમાં સૌથી પહેલા તો તાત્કાલિક દવાનો ઉપયોગ બંધ કરાવી દર્દીને પાણીના બાટલા ચડાવવા પડે છે. એન્ટી એલર્જિક દવાઓ અપાય છે. જો નિયમિત દવાઓ ન લેવાય તો આ ‘ડ્રેસ સિન્ડ્રોમ’ જીવલેણ સાબિત થઇ શકે છે. એન્ટી એલર્જિક દવાઓ સિવાય કોઇ ચોક્કસ ઇલાજ નથી.
સરકારે માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે દર્દીઓ મેફ્ટાલનો ઉપયોગ કરતા પહેલાં તેમના ડૉક્ટરની ખાસ સલાહ લે. ખાસ કરીને જે લોકોને જઠરની, હૃદય સંબંધિત બીમારીઓ, કિડની સંબંધિત બીમારીઓ હોય તેમણે આ દવાના ઉપયોગમાં ખાસ કાળજી રાખવી જોઈએ. તેઓ દવાની વિપરીત અસરો પર નજર રાખે. જો તેમને લક્ષણો દેખાય તો હેલ્પલાઇન નંબર 1800-180-3024 પર કોલ કરે.