કાશ્મીર માટે સરકારે લીધો મોટો નિર્ણય, આ ફોર્સને તહેનાત કરાશે
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં વધતી આતંકવાદી ઘટનાઓને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આતંકવાદીઓની વધતી ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને હવે ભારતીય સુરક્ષા દળોએ પણ પોતાની રણનીતિ બદલવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકાર હવે સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ની કોબ્રા ફોર્સના કમાન્ડોને જમ્મુ-કાશ્મીરમાં તહેનાત કરવા જઈ રહી છે. કોબ્રા યુનિટના 100 કમાન્ડોને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવી રહ્યા છે. ગેરીલા વોર માટે નિષ્ણાત ગણાતા આ કમાન્ડો જંગલો અને પહાડોમાં છુપી રીતે હુમલો કરવામાં માસ્ટર ગણાય છે.
જમ્મુ-કાશ્મીર છેલ્લા કેટલાક વર્ષોમાં શાંતિ તરફ આગળ વધી રહ્યું છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો આ વાત પચાવી શકતા નથી. આઈએસઆઈ બોર્ડર પાસથી કાશ્મીરમાં ફરી હિંસા ફેલાવવાના તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. ભારત સરકાર પણ પાડોશી દેશની ‘નાપાક’ હરકતોથી સારી રીતે વાકેફ છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કોબ્રા ફોર્સ દ્વારા જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓ પર હુમલો કરવાની વિસ્તૃત યોજના બનાવી છે.
કોબ્રા ફોર્સ જંગલો અને પહાડોમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો પર હુમલો કરવાના માર્ગો પર ખાસ નજર રાખશે. છેલ્લા એક વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા આ પદ્ધતિ અપનાવવામાં આવી છે. જો આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનની જરૂર પડશે તો કોબ્રા ફોર્સ તેના માટે પણ ત્યાં હાજર દળોને મદદ કરશે.
કોબ્રા ફોર્સ જંગલ યુદ્ધ અને ગેરિલા યુદ્ધમાં નિપુણતા ધરાવે છે. અહીં એ જણાવવાનું કે કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરના જંગલો અને પહાડોમાં છુપાયેલા છે અને સુરક્ષા દળો પર હુમલા કરી રહ્યા છે. કોબ્રા કમાન્ડો પાસે જંગલોમાં લડવાની કુશળતા ધરાવે છે, તેથી જમ્મુ-કાશ્મીરના જંગલોમાં તેનો ઉપયોગ કરી શકાય છે. આ પહેલા કોબ્રા ફોર્સે નક્સલવાદીઓ સામે કામ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.