નેશનલ

બજેટના કરોડો રૂપિયા ધૂળ ખાઈ રહ્યા છે! સરકારે મહત્વની યોજનાઓ માટે 40% પણ ખર્ચ ન કર્યા

નવી દિલ્હી: દર વર્ષે બજેટમાં સરકાર વિવિધ યોજનાઓ માટે કરોડો રૂપિયા ફાળવતી હોય છે, પરંતુ આ નાણા અસરકારક રીતે ખર્ચ થઇ શકતા નથી હોતા, ચાલુ નાણાકીય વર્ષે પણ કેન્દ્ર સરકાર કેટલીક મહત્વની યોજના માટે ફાળવવામાં આવેલા નાણા વાપરી શકી નથી.ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં કેન્દ્ર સરકરે કેટલીક મોટી યોજનાઓ માટે બજેટમાં ફાળવવામાં આવેલી રકમના 40% કરતા ઓછો ખર્ચ કર્યો છે.

અહેવાલ મુજબ કુલ 53 યોજનાઓમાંથી 6 યોજનાઓ એવી છે જેનું રિવાઈઝ્ડ એસ્ટીમેટ(RE) મૂળ બજેટ ફાળવણીના 40 ટકાથી ઓછું છે. 4 યોજનાઓનું RE 40 થી 50 ટકા, 15 યોજનાઓ માટે RE 51 થી 75 ટકા, 10 યોજનાઓ માટે RE 90 થી 100 ટકા અને 6 યોજનાઓ માટે RE 100 ટકા કે તેથી વધુ છે.

નાણા સરકારી તિજોરીમાં, લોકો લાભથી વંચિત:
આ 53 યોજનાઓ માટે બજેટમાં રૂ.5 લાખ કરોડથી થોડા વધારે નાણા ફાળવવામાં આવ્યા હતાં, RE મુજબ નાણાકીય વર્ષના અંત સુધીમાં આ યોજના માટે બજેટ ફાળવણીના 74.4% અટેલે કે રૂ. 3.8 લાખ કરોડ જ ખર્ચ થવાની શક્યતા છે. આમ બાકીના નાણા વપરાયેલા વગરના રહેશે, લોકો તેને મળનારા લાભથી વંચિત રહેશે.

31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષના નવ મહિના સુધી આ યોજનાઓ માટે કુલ રૂ.2 લાખ કરોડથી ઓછી રકમ રિલીઝ કરવામાં આવી હતી, જે બજેટ ફાળવણીના 41.2% છે અને REના 55.4% છે.

આ યોજનાઓ પર પૂરેપૂરો ખર્ચ:
આરોગ્ય અને પરિવાર કલ્યાણ હેઠળ માળખાગત સુવિધામાં સુધારા માટેની યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના, અને અનુસૂચિત જાતિઓ અને અન્ય લોકો માટે પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ ત્રણ યોજનાઓ માટે રિવાઈઝ્ડ એસ્ટીમેટ(RE) બજેટમાં કરવામાં આવેલી ફાળવણી જેટલો જ છે.

જ્યારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના(મનરેગા), અનુસૂચિત જનજાતિઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીય કુદરતી ખેતી મિશન માટે RE બજેટ ફાળવણીના 100% થી વધુ છે.

ખેડૂતોને મોટો ફટકો:
બાકીની 47 યોજનાઓ માટે, RE વિવિધ અંશે બજેટ ફાળવણી કરતા ઓછો છે. સૌથી વધુ તફાવત PM કૃષિ સિંચાઈ યોજનામાં જોવા મળી રહ્યો છે, આ યોજના માટે રૂ.850 કરોડ ફાળવવામાં આવ્યા હતાં, RE મુજબ નાણાકીય વર્ષના અંત સુધીમાં આ રકમનો માત્ર છઠ્ઠો ભાગ એટલે કે માત્ર રૂ. 150 કરોડ જ ખર્ચ થવાનો અંદાજ છે.

આ યોજનાં પર 40%થી ઓછો ખર્ચ થશે:
બજેટ ફાળવણીનાં 40%થી ઓછો ખર્ચ થવાનો અંદાજ છે એમાં PMKSY-કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ એન્ડ વોટર મેનેજમેન્ટ, PM eBus સેવા, ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન, જળ જીવન મિશન/રાષ્ટ્રીય ગ્રામીણ પેય જળ મિશન, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓનું કોમ્પ્યુટરાઇઝેશન અને PMAY અર્બનની રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ ઘટક યોજનાનો સમેશ થાય છે.

આ યોજના માટે માત્ર 10% ટકા જ રકમ રિલીઝ થઇ:
જ્યારે છ યોજનાઓ એવી છે કે જેના માટે બજેટ ફાળવણી કરતા માત્ર 10% જ રકમ રીલીઝ કરવામાં આવી છે. જેમાં જળ જીવન મિશન/રાષ્ટ્રીય ગ્રામીણ પેય જલ મિશન, PM સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા અને પ્રધાનમંત્રી અનુસુચિત જાતિ અભ્યુદય યોજનાનો સમાવેશ થાય છે.

આપણ વાંચો:  રાજસ્થાનના કોટામાં બિલ્ડિંગ ધરાશાયી થતા બેના મોત, અનેક ઘાયલ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button