નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ઓડિશાની મુલાકાતે છે. ઓડિશામાં પહેલી વાર ‘પ્રવાસી ભારતીય દિવસ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ આજે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો અને ‘પ્રવાસી ભારતીય એક્સપ્રેસ’ને લીલી ઝંડી આપી હતી.
પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે, ‘જ્યારે દુનિયામાં તલવારના જોર પર સામ્રાજ્યનો વિસ્તાર કરવાનો સમય હતો ત્યારે આપણા સમ્રાટ અશોકે શાંતિનો માર્ગ પસંદ કર્યો હતો. આ આપણી વિરાસતની તાકાત છે જેની પ્રેરણાથી આજે ભારત વિશ્વને કહેવા માટે સક્ષમ છે કે ભવિષ્ય યુદ્ધમાં નહીં બુદ્ધમાં છે.’
ભારતના વિકાસમાં નિર્માણમાં બિનનિવાસી ભારતીયો (NRI)ના યોગદાનની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં હંમેશા તેમને ભારતના રાજદૂત તરીકે જ માન્યા છે. તેમને મળીને મને ઘણી ખુશી થાય છે. તેમણે મને ઘણો માન અને આદરભાવ આપ્યો છે. તેમના પ્રેમ અને આશિર્વાદ હંમેશા મારી સાથે રહે છે.
તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં હું વિશ્વના દરેક નેતાને મળ્યો છું. દરેક વ્યક્તિ આપણા દેશની પ્રશંસા કરે છે. આપણે માત્ર દુનિયાની લોકશાહીની જનની જ નથી પરંતુ લોકશાહી આપણા જીવનનો એક ભાગ છે. લોકશાહી આપણી જીવનશૈલી છે. વિશ્વને દેશની વિવિધતાનો સીધો અનુભવ આપવા માટે ભારતના વિવિધ ભાગોમાં G-20 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું, એમ જણાવતા તેમણે કહ્યું હતું કે આપણે વિવિધતા શીખવાની જરૂર નથી, આપણું જીવન જ વિવિધતા પ્રદાન કરે છે. ભારતીય જ્યાં પણ જાય છે તેના સમાજ સાથે જોડાઈ જાય છે, ત્યાંના નિયમો અને પરંપરાઓનું સન્માન કરે છે અને તે દેશ અને ત્યાંના સમાજની સંપૂર્ણ ખંતપૂર્વક સેવા કરે છે. આ બધાની સાથે તેમના દિલમાં ભારત પણ ધડકતું રહે છે.
આજે ભારતનું દરેક ક્ષેત્ર આકાશને ઊંચાઈઓને આંબવા માટે આગળ વધી રહ્યું છે. આજે ભારત જે કહે છે તેને દુનિયા ધ્યાનથી સાંભળે છે. આજનું ભારત પોતાની વાતો પર અડગ છે અને તે ગ્લોબલ સાઉથનો અવાજ પણ પૂરી તાકાતથી ઉઠાવે છે.
પીએમ મોદીએ એનઆરઆઇ માટે ખાસ પ્રવાસી ટ્રેન – પ્રવાસી ભારતીય એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેને દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી તેની મુસાફરી શરૂ કરી હતી. આ ટ્રેન એનઆરઆઈને ત્રણ અઠવાડિયા સુધી દેશભરના ઘણા પ્રવાસી અને ધાર્મિક સ્થળો પર લઈ જશે. ટ્રેનનું ઉદઘાટન કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે ઓડિશાની મહાન જન્મભૂમિમાં આજે જ્યાં બધા ભેગા થયા છે તે ભારતના સમૃદ્ધ વારસાનું પ્રતિબિંબ પણ છે. ઓડિશામાં દરેક પગલે આપણો વારસો દેખાય છે. સેંકડો વર્ષ પહેલા ઓડિશાના વેપારીઓ બાલી, સુમાત્રા, જાવા જેવા સ્થળોએ લાંબા અંતરની મુસાફરી કરતા હતા. આજે પણ ઓડિશામાં બાલીયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
આ અગાઉ વિદેશ પ્રધાન એસ જયશંકરે તેમના ભાષણમાં કહ્યું હતું કે દર વર્ષે બે વર્ષે આયોજિત આ કોન્ફરન્સ દ્વારા વિદેશમાં રહેતા ભારતીય તેમના દેશમાં થઈ રહેલી પ્રગતિ અને વિકાસને જોઈ અને અનુભવી શકે છે. તમે તમારા જીવનમાં મેળવી સફળતાઓ પર ગર્વ કરો છો અને સાથે સાથે વિદેશમાં આપણા દેશ માટે વધતા સન્માનનો પણ અનુભવ કરો છો. આજના વૈશ્વિક યુગમાં પ્રવાસી ભારતીય સમુદાયનું મહત્વ ઘણું વધી ગયું છે.
આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટ જેટલી અનુશાસનહીન કોર્ટ ક્યારેય જોઈ નથી, કઇ વાત પર ભડક્યા CJI
આ પ્રસંગે ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝી પણ હાજર હતા તેમના સંબોધનમાં માઝીએ કહ્યું હતું કે આ વખતે પ્રવાસી ભારતીય દિવસની થીમ ‘ભારતના વિકાસના નિર્માણમાં બિનનિવાસી ભારતીયો (NRI)નું યોગદાન’ છે. આજે હું ઓડિશાની ભૂમિ પરથી દરેકને શુભેચ્છા પાઠવું છું.