ગલ્ફમાં મજૂરીકામ માટે જતા ભારતીય શ્રમિકોની 30 હજારથી વધુ ફરિયાદો વિદેશખાતાને મળી
50 ટકાથી વધુ ફરિયાદો કુવૈતમાં કામ કરતા મજૂરોની મળી છે.
નવી દિલ્હી: ભારતમાંથી મોટી સંખ્યામાં શ્રમિકો સારી રોજગારી મેળવવાની આશામાં ગલ્ફના દેશોમાં મજૂરીકામ માટે જતા હોય છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ તથા દક્ષિણ ભારતમાંથી પણ અનેક શ્રમિકો ગલ્ફ એટલે કે ખાડી દેશો જેવા કે સાઉદી અરેબિયા, કુવૈત, મક્કામદીના, બહેરીન, ઓમાન, કતાર તથા UAEમાં જતા હોય છે, જો કે આ શ્રમિકો માટે હવે લાલબત્તી સમાન માહિતી લોકસભામાં સરકારે રજૂ કરી છે.
લોકસભાના શિયાળુ સત્રમાં વિદેશ મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન વી મુરલિધરને જણાવ્યું હતું કે માર્ચ 2021થી ડિસેમ્બર 2023 વચ્ચે જેટલા મજૂરો ગલ્ફના દેશોમાં મજૂરીકામ માટે ગયા હતા, તેમાંથી ભારતીય વિદેશખાતાને 33 હજારથી વધુ ફરિયાદો મળી છે.
ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU) પાર્ટીથી સાંસદ ચંદ્રપ્રકાશ ચૌધરીએ પૂછેલા સવાલના જવાબમાં વી મુરલિધરને માહિતી આપી હતી કે ગલ્ફના દેશોમાં કામ કરતા મજૂરો મુખ્યત્વે કંપની/નોકરીમાં રાખનાર વ્યક્તિ દ્વારા પગાર ચૂકવણીમાં વિલંબ, પાસપોર્ટ જમા કરી રાખવો, કામ કરવાની અયોગ્ય જગ્યાઓ, હલકી ગુણવત્તાવાળા રહેઠાણ, લાંબા કામના કલાકો, કંપનીમાલિકો દ્વારા દુર્વ્યવહાર/સતામણી વગેરે જેવી ફરિયાદો વિદેશ મંત્રાલયને મળવા પામી છે.
આ ફરિયાદોમાંથી 50 ટકા ફરિયાદો કુવૈતમાંથી મળી છે. લગભગ 15 હજારથી વધુ કુવૈતમાં કામ કરી રહેલા શ્રમિકોએ અલગ અલગ કારણોસર ફરિયાદ કરી છે. તે પછી સંયુક્ત આરબ અમિરાત બીજા નંબરે આવે છે.
આ ફરિયાદો ભારત સરકારને વિવિધ ચેનલો જેમ કે ઈમરજન્સી નંબર, વોક-ઈન્સ, ઈ-મેઈલ, સોશિયલ મીડિયા વગેરે દ્વારા પ્રાપ્ત થાય છે અને સરકાર દ્વારા ઓનલાઈન ફરિયાદ રજીસ્ટર કરવા માટે MADAD અને ઈ-માઈગ્રેટ જેવા પોર્ટલ વિકસાવવામાં આવ્યા છે. ભારતીય કામદારોને માર્ગદર્શન અને કાઉન્સેલિંગ આપવા માટે દુબઈ (UAE), રિયાધ, જેદ્દાહ (સાઉદી અરેબિયા) અને કુઆલાલંપુર (મલેશિયા)માં પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્રો (PBSK) ની સ્થાપના કરવામાં આવી છે.
આ સિવાય વિદેશમાં વસતા ભારતીયોની સહાય માટે ભારતીય સમુદાય કલ્યાણ ભંડોળ (ICWF) પણ ઉભુ કરવામાં આવ્યું છે. વર્ષ 2014 થી 2023 સુધીમાં, ICWF ની 626 કરોડ રૂપિયાની રકમનો ઉપયોગ વિદેશમાં તકલીફમાં હોય તેવા 3,42,543 ભારતીયોને મદદ કરવા માટે કરવામાં આવ્યો હતો, તેવું વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું.