મેડિકલ ઈમર્જન્સીના કારણે હોંગકોંગથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ કરવી પડી ડાઈવર્ટ
મુંબઈઃ ગયા રવિવારે કેથે પેસિફિકની ફ્લાઈટ હોંગકોંગથી મુંબઈ માટે ટેકઓફ થઈ હતી પરંતુ અચાનક તેને બેંગકોક ડાયવર્ટ કરવી પડી હતી. એરલાઈન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ એક મુસાફરની મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ હોંગકોંગથી રાત્રે 8.10 વાગ્યે (સ્થાનિક સમય) નીકળી હતી અને સોમવારે વહેલી મધ્યરાત્રિએ મુંબઈમાં લેન્ડ થવાની હતી. એરલાઈને જણાવ્યું હતું કે પેસેન્જર અને તેના પરિવારને બેંગકોકમાં ઉતારવામાં આવ્યા હતા અને ત્યાર બાદ પ્લેનમાં ઇંધણ ભરી ફરી એકવાર તેના ગંતવ્ય માટે ઉડ્ડયન કરવામાં આવ્યું હતું.
આ અંગે માહિતી આપતા કેથે પેસિફિક એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘મેડિકલ ઈમરજન્સીના કારણે હોંગકોંગથી મુંબઈ આવી રહેલી બોઈંગ 777 એરક્રાફ્ટની ફ્લાઇટ CX663ને બેંગકોક તરફ વાળવામાં આવી હતી. ત્યાર બાદ કેથે પેસિફિક ટીમે બેંગકોકમાં ઓપરેશન ટીમનો સંપર્ક કર્યો અને ખાતરી કરી કે તબીબી ઇમરજન્સી ધરાવતા પેસેન્જરને આગમન પર યોગ્ય તબીબી સહાય મળે.” એરપોર્ટ પર પહોંચીને પેસેન્જર અને તેના પરિવારને બેંગકોકમાં ઉતારવામાં આવ્યા હતા અને ત્યાર બાદ પ્લેને મુંબઇ માટે ફરી ઉડાન ભરી હતી.