
નવી દિલ્હીઃ સોમવારે વહેલી સવારે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 4.0 હતી. મળતી માહિતી અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆ વિસ્તારમાં આવેલી દુર્ગાભાઇ દેશમુખ કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન પાસે હતું. સવારે 5 કલાક અને ૩૬ મિનિટે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર પાંચ કિલોમીટરની ઊંડાઇએ હતું. સદનસીબે આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર જાણવા મળ્યા નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ જ્યાં હતું તે વિસ્તારની નજીક એક તળાવ છે જ્યાં દર બે થી ત્રણ વર્ષે ભૂકંપ આવે છે. એક અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે 2015માં પણ આ વિસ્તારમાં 3.3ની તીવ્રતા નો ભૂકંપ નોંધાયો હતો.
ભૂકંપના જોરદાર આંચકાને કારણે દિલ્હી, નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં ઘણી ઊંચી ઇમારતોના લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા. દિલ્હી પોલીસે તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે બધા સુરક્ષિત હશે એવી આશા કરીએ છીએ. દિલ્હી પોલીસે નાગરિકોને કટોકટીની સ્થિતિમાં એક 112 હેલ્પલાઇન પર કોલ કરવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો…દિલ્હી વિધાનસભ્યદળની બેઠક મુલતવી, હવે આ દિવસે થશે મુખ્ય પ્રધાનના નામની જાહેરાત
દિલ્હી એનસીઆરના લોકોએ શું કહ્યું?
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મુસાફરો એ જણાવ્યું હતું કે એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ ટ્રેન ભૂગર્ભમાં દોડી રહી હોય. બધું ધ્રુજી રહ્યું હતું. અન્ય એક મુસાફરે જણાવ્યું હતું કે ભૂકંપના આંચકા અનુભવવાની સાથે જ બધું હલવા માંડ્યું હતું. ઘણા ગ્રાહકો ચીસો પાડવા માંડ્યા હતા. આંચકા ખૂબ જ ઓછા સમય માટે અનુભવાયા હતા, પરંતુ તેને તીવ્રતા એટલી વધારે હતી કે એવું લાગ્યું કે જાણે કોઈ ટ્રેન ખૂબ ઝડપથી આવી રહી હોય.